વાગરા,તા.૭
વાગરાના સુવા ગામે બનેલ બળાત્કારની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ગામ લોકોએ બાળકીને ન્યાય અપાવવા ગામમાં રેલી કાઢી હતી. લખીગામના યુવાનોએ દોષિતને ફાંસી આપોની માંગ સાથે દહેજ પોલીસને આવેદનપત્ર પાઠવ્યું હતું. દહેજ પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
સુવા ગામે બનેલ બળાત્કારની ઘટનાની ચોતરફેથી નિંદાની સાથે લોકો જઘન્ય ઘટનાને વખોડી રહ્યા છે. અમાનવિય દુષ્કર્મને પગલે ગામ લોકોનો આક્રોશ વધતા અન્ય પરપ્રાંતિયો ભયભીત બન્યા છે. ગતરોજ રાતના સુવા ગામના લોકોએ બાળકીને ન્યાય મળે એ હેતુથી ગામમાં સૂત્રો પોકારતા રેલી કાઢી હતી. રેલીને પગલે પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેના પગલા લીધા હતા. પાચવી દુષ્કર્મના કૃત્યને અંજામ આપનાર મુકેશ ચૌધરીને ગણતરીના કલાકોમાં ગતરોજ સાંજે દહેજ પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. આરોપીના મેડિકલ ચેકઅપની પોલીસે કાર્યવાહી હાથધરી હતી. આ બનાવને પગલે દહેજ પંથકના લોકોમાં પરપ્રાંતીય નરાધમ વિરૂદ્ધ રોષ ફાટી નીકળ્યો છે. લખીગામના જાગૃત યુવાનોએ દહેજ પી.આઈ. ઝે.એન.ઝાલાને દુષ્કૃત્ય આચરનાર દોષિતને ફાંસીની સજાની માંગ કરતું આવેદન પાઠવ્યું હતું. આવેદનમાં જણાવ્યા અનુસાર જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી અમે ઝંપીશું નહીં. જો બાળકીને હમણાં ન્યાય નહીં મળે તો પંથકના સ્થાનિકોએ ભયમાં જીવન જીવવુ પડશે. આવા બીજા બનાવ અટકાવવા માટે પોલીસ પાસે બાંહેધરીનો ઉલ્લેખ આવેદનમાં કરાયો છે. વી વોન્ટ જસ્ટિસના પ્લે કાર્ડ સાથે લખીગામના યુવાનો દહેજ પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ફરજ પર હાજર પી.આઈ.ઝાલાને આવેદન સુપ્રત કર્યું હતું.