(એજન્સી) કોલકાતા, તા.૬
જેએનયુ કેમ્પસમાં ઘૂસીને વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઝ પર લાઠી અને સળિયા વડે બુકાનીધારી ગુંડાઓ દ્વારા કરવામાં આવેલા હુમલાને પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના વડાંએ આકરા શબ્દોમાં વખોડી કાઢ્યો છે. તેમણે જણાવ્યું કે ગુંડાઓ દ્વારા ક્રૂર રીતે વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોને માર મારવાના ઘૃણાસ્પદ કૃત્યને વખોડવા માટે કોઇ શબ્દો પુરતા નથી. મમતા બેનરજીએ એવું પણ કહ્યું કે વિદ્યાર્થીઓ પર હુમલો આપણા લોકતંત્ર માટે એક શરમજનક બાબત છે. જેએનયુના વિદ્યાર્થીઓ સાથે એકતા દર્શાવવા માટે દિનેશ ત્રિવેદીના નેતૃત્વ હેઠળ તૃણમૂલ કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ દિલ્હી જશે.