(એજન્સી) મેલબર્ન, તા.૩૧
મેલબર્નની ત્રીજી ટેસ્ટમાં ભારતીય ખેલાડીઓ જેમાં ખાસ કરીને નવા પ્લેયર મયંક અગરવાલને ઉતારી પાડતું બોલવા બદલ તેમ જ પછીથી ચેતેશ્ર્‌વર પુજારા અને રવીન્દ્ર જાડેજાના નામ સરખા લેવાને બદલે ‘ચેતેશ્ર્‌વર જાડેજા’ બોલીને ઠેકડી ઉડાડનાર ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બોલર અને કૉમેન્ટેટર કેરી ઑકીફે જોરદાર દબાણ થતાં ભારતીય ખેલાડીઓની તેમ જ ભારત-તરફી ક્રિકેટ ચાહકોની જાહેરમાં માફી માગવી પડી હતી. ઑકીફે પત્ર લખીને આ માફી માગી હતી. ઑકીફના વિવાદાસ્પદ વ્યવહારની સોશિયલ મીડિયા પર જોરદાર મજાક ઉડાડવામાં આવી હતી.
ભારતના ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટના સેટ-અપને ઉતારી પાડતું બોલનાર ઑકીફને વિરાટ કોહલીએ મૅચ પછી ‘વળતો જવાબ’ આપી દીધો હતો. વિરાટે જીત બદલ ઘરઆંગણાના પ્રથમ કક્ષાની ક્રિકેટના માળખાને જશ આપ્યો હતો. કોહલીએ કહ્યું હતું કે, ‘અમારી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટનું સેટ-અપ એટલું બધુ અદ્‌ભુત છે કે, એને લીધે જ અમે જીતી શક્યા છીએ.’ કોહલીએ જસપ્રીત બુમરાહ સહિતના ફાસ્ટ બોલરોની તેમ જ પુજારાના ખૂબ વખાણ પણ કર્યા હતા.