(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૯
આણંદ શહેરમાં ઝાયડસ કોલેજ ઓફ નર્સિંગમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી અને જીવનદીપ સોસાયટીમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતી દાહોદ જિલ્લાનાં ઢઢાલ ગામની ૨૧ વર્ષિય યુવતીએ નર્સિંગમાં ભણવાનું ગમતું ના હોઈ આજે પોતાનાં રૂમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર દાહોદ જિલ્લાનાં ફતેપુરા તાલુકાનાં ઢઢાલ ગામની જેનીફર વિરેન્દ્રભાઈ કલાસવા (ઉ.વ.૨૧) આણંદની ઝાયડસ કોલેજ ઓફ નર્સિંગમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને જીવનદીપ સોસાયટીનાં ૯૪ નંબરનાં બંગલામાં અન્ય વિદ્યાર્થિનીઓ સાથે પેઈંગ ગેસ્ટ તરીકે રહેતી હતી. જેણે આજે બપોરના સુમારે નર્સિંગનો અભ્યાસ ગમતો ના હોઈ પંખા સાથે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.
રૂમ પાર્ટનર તરીકે રહેતી અન્ય યુવતી સાંજના સુમારે કોલેજથી રૂમમાં પરત આવી ત્યારે તેણીએ જેનીફરનો મૃતદેહ પંખા સાથે લટકતો જોતા તેણીએ બૂમાબૂમ કરતા બંગલા માલિક તેમજ અન્ય યુવતીઓ દોડી આવી હતી અને આણંદ ટાઉન પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ કરતા પલંગ પરથી જેનીફરએ લખેલ મારે નર્સિંગ ભણવું નથી તેવું લખાણ મળી આવતા પોલીસે જણાવ્યું હતું કે, તેણીએ નર્સિંગના અભ્યાસ ગમતો નહીં હોવાનાં કારણે જીવતર ટૂંકાવ્યું હશે, આ બનાવ અંગે આણંદ ટાઉન પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતા વલ્લભવિદ્યાનગરમાં અભ્યાસ કરતો અને હોસ્ટેલમાં રહેતો જેનીફરનો ભાઈ પણ દોડી આવ્યો હતો અને તેણે ભારે કલ્પાંત મચાવ્યું હતું. આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી.