(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૮
શહેરના અલકાપુરી વિસ્તારમાં રહેતો મુળ લુણાવાડાનાં ધો.૧૨ સાયન્સમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ કોઇ કારણોસર ઘરનાં બેડરૂમમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. વિદ્યાર્થી અભ્યાસ અર્થે પોતાની માસીનાં ઘરે રહેતો હતો. પ્રાપ્ત થતી વિગત અનુસાર મુળ લુણાવાડાનાં રહેવાસી વૈદાંત વિજયકુમાર મહેતા (ઉ.વ.૧૭) શહેરની એકસરીમેન્ટલ સ્કુલમાં ધો.૧૨ સાયન્સમાં અભ્યાસ કરતો હતો. અલકાપુરી વિસ્તારમાં આવેલી ગોવર્ધનનાથજીની હવેલી પાસેની ઉર્મિ સોસાયટીમાં માસીનાં ઘરે છેલ્લાં ૬ માસથી રહેતો હતો. તેની માતા થોડા દિવસ પછી વિદેશ પ્રવાસ કરવાનાં હતા. જ્યારે આ કિશોરે માસીનાં ઘરે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ રવિવારની રાત્રે આત્મહત્યા કરી લીધી હતી. બનાવની જાણ ગોત્રી પોલીસને થતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી કયાં કારણોસર વિદ્યાર્થીએ આત્મહત્યા કરી તે અંગે તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અભ્યાસનાં ભારને કારણે અઠવાડિયામાં ધો.૧૨ સાયન્સનાં આ બીજા વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે.