(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૩૦
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી કર્મયોગી સોસાયટીમાં રહેતી ધો.૧૦ની વિદ્યાર્થીનીએ પોતાના રૂમમાં ફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોકની કાલીમા છવાઇ જવા પામી હતી.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી કર્મયોગી સોસાયટીમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના ગોરખપુરના વતની ચોરસીયા પરિવારની પુત્રી ડિમ્પલ શ્રી કૃષ્ણરાજ હિન્દી વિદ્યાલયમાં ધો. ૧૦નો અભ્યાસ કરે છે. ગત સાંજે ડિમ્પલની માતા શાકભાજી લેવા બજારમાં ગયા હતા. પિતા નાઈટ સીફટમાં સંચા કારખાનામાં ગયા હતા. જ્યારે બે ભાઈઓ ઘર સામે રમી રહ્યાં હતા તે દરમિયાન ડિમ્પલે ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. માતા શાકભાજી લઈને ઘરે પરત ફરતા પુત્રીને ફાંસીએ લટકેલી હાલતમાં જાઈ બુમાબુમ કરતા પડોશીઓ ભેગા થયા હતા. બનાવ અંગે પોલીસને જાણ થતા પંચનામુ કરી લાશને પી.એમ. માટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. સ્થાનિક લોકોમાં થઈ રહેલી ચર્ચા મુજબ ડિમ્પલના લગ્નની વાત ઘરમાં થતી હોવાથી તેણીએ આત્મહત્યા કરી છે. ગત રવિવારે ડિમ્પલને જોવા માટે ઘરે છોકરો આવ્યો હતો. ડિમ્પલને લગ્ન કરવા ન હતા અને ઘરમાં તેણીના લગ્નની વાતથી દુઃખી થઈ અંતિમ પગલુ ભર્યુ હોઈ શકે તેવી ચર્ચા પડોશીઓ કરતાં હતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.