જામનગર, તા.૮
જામનગરના કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રહેતા એક સતવારા યુવાને વ્યાજખોરોના આતંકથી કંટાળી પોતાના ઘેર ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું છે. મૃતકની લખેલી મનાતી બે ચિઠ્ઠી પોલીસને સોંપવામાં આવી છે જેમાં તે વ્યાજખોર સહિત ચારના નામ આપવામાં આવ્યા છે. એક તબક્કે તેના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરતા અફડા-તફડી મચી ગઈ છે.
જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી મહાપ્રભુજીની બેઠક પાસેના ગાયત્રીનગરની શેરી નં.૨માં રહેતા દીપેશ વાલજીભાઈ નકુમ નામના ૩૫ વર્ષના સતવારા યુવાને જ્યારે પોતાના ઘરમાં કોઈ ન હતું. ત્યારે ઓરડામાં રહેલા સીલીંગ ફેનમાં સાડી વડે ગાળીયો બનાવી ગળાફાંસો ખાદ્યો હતો. આ બાબતની એકાદ કલાક પછી ઘેર આવેલા તેમના પત્ની ગીતાબેન નકુમને જાણ થતા તેઓએ રાડારોળ કરી હતી.
આ યુવાનને નીચે ઉતારી ચકાસણી કરાતા તેઓના શ્વાસ ચાલુ હોવાનું જણાઈ આવતા ૧૦૮ મારફત દીપેશભાઈને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ દીપેશભાઈને મૃત્યુ પામેલા જાહેર કરતા આ યુવાનનો પરિવાર સ્તબ્ધ બની ગયો હતો. દોડી આવેલા પીએસઆઈ ગરચરે ગીતાબેનનું નિવેદન નોંધી મૃતદેહને પીએમ માટે ખસેડી તપાસ શરૂ કરી હતી.
પોલીસની તપાસ દરમ્યાન આ યુવાનની લખેલી મનાતી સ્યુસાઈડ નોટ મળી આવી છે જેમાં તેણે જણાવ્યા મુજબ દીપેશભાઈએ એક શખ્સ પાસેથી રૂા.૩૦,૦૦૦ હાથ ઉછીના લીધા હતા. આ વેળાએ તેઓએ ઠેરવ્યા મુજબ રૂા.૪૫,૦૦૦ આપવાના થતા હતા. જ્યારે બીજા શખ્સ પાસેથી રૂા.૩૭,૦૦૦ હાથ ઉછીના મેળવી દીપેશભાઈએ રૂા.૭૫,૦૦૦ દેવાના થતા હતા. આ બે વ્યાજખોરના નામ ઉપરાંત દીપેશભાઈએ અન્ય બે શખ્સોના નામ પોતાની મરણોન્મુખ ચિઠ્ઠીમાં લખ્યા છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ આ શખ્સો પાસેથી પૈસા લીધા નથી, વહેવાર નથી છતાંય તેઓ દીપેશભાઈને પરેશાન કરતા હતા, ઘેર આવી માર-મારતા હતા.
આ વ્યાજખોરોની ઉઘરાણીથી કંટાળી ગયેલા દીપેશભાઈએ ગળાફાંસો ખાઈ મોત ગળે લગાડી લીધું છે. તેઓએ ચિઠ્ઠીમાં જણાવ્યું છે કે જો હું મરી જાવ તો હું આ ચિઠ્ઠીને મનિષ નકુમને આપજો અને બીજી ચિઠ્ઠી એસપીને આપવાની પણ દીપેશભાઈએ વિનંતી કરી છે. વ્યાજખોરોના વધતા આતંક વચ્ચે નગરના વધુ એક યુવાને આત્મહત્યા વ્હોરતા પોલીસે તેઓની લખેલી બંને ચિઠ્ઠી કે જેમાં ત્રણ વ્યાજરોખોના મોબાઈલ નંબર પણ આપવામાં આવ્યા છે. તેઓની શોધ શરૂ કરી છે.