(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર,તા.ર
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના તીર્થધામ ગણાતા ઝરિયા મહાદેવ વિડ વિસ્તારમાં એક પ્રેમીપંખીડાની લાશ ઝાડ સાથે લટકતી દેખાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે મૃતકોના પરિવારજનોએ પોલીસને જાણ કર્યા વગર જ અંતિમ સંસ્કાર કરી દીધા છે. ત્યારબાદ આ ઘટનાના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસે આ અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આપેલી માહિતી અનુસાર ચોટીલાના રામપરા (રૂપાવટી) ગામ ખાતે રહેતો અજય મનસુખ ચુકોળી અને સાયલાના ડોળિયા ગામે રહેતી કંકુબેન જેમાભાઈ એક જ કોમના અને દૂરના સગા થતા હતા. બંને વચ્ચે પ્રેમસંબંધ હતો પરંતુ બંનેના પરિવારજનોને તે મંજૂર નહોતો જેથી તા.ર૯/૪/૧૯ના રોજ અજય અને કંકુબેન ઘરેથી કહ્યા વગર નીકળી ગયા હતા. ત્યારબાદ ચોટીલાના ઝરિયા મહાદેવ વિડ વિસ્તારમાં ઝાડ સાથે બંનેની લટકતી હાલતમાં લાશ દેખાતા બંનેના પરિવારજનો તેઓની લાશ લઈ ગયા હતા અને પોલીસને જાણ કર્યા વગર લાશના અંતિમસંસ્કાર કરી દીધા હતા. ત્યારબાદ ફોરેસ્ટ વિભાગે આ અંગેની જાણ પોલીસને કરતાં તેમજ સોશિયલ મીડિયા પર લાશના ફોટા વાયરલ થતાં પરિવારજનો પર શંકાની સોય તાકી છે. આ ઘટનામાં આત્મહત્યા કે પછી હત્યા થઈ છે ? તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.