(સંવાદદાતા દ્વારા) પાટણ, તા.ર૩
ચાણસ્માના સુણસર ગામનો યુવક અને લણવા ગામની યુવતીએ સિદ્ધપુરના ચંદ્રાવતીની સીમમાં લીમડાના ઝાડ પર દુપટ્ટા વડે ફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર મચી ગઈ. જો કે, ચાણસ્માના યુગલે છેક આટલે આવીને કેમ આપઘાત કર્યો તેને લઈ અટકળો સર્જાઈ હતી.
સિદ્ધપુર તાલુકાના ચંદ્રાવતી ગામે સીમમાં ગામના રબારી ખેડૂતના ખેતરમાં બુધવારે એક પ્રેમીયુગલની લાશ ઝાડની ડાળ સાથે લટકેલી હાલતમાં ત્યાંથી પસાર થતાં લોકોની નજરે પડતાં જોતજોતામાં વાત ગામમાં ફેલાઈ જતાં ગામ લોકોના ટોળા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જેમાં મૃતક યુવકના ચંદ્રાવતી ગામમાં રહેતા કુટુંબી મામા બાસ્કુજી ઠાકોર પણ હોઈ તેઓ યુવકને ઓળખી જતાં તેના ઘરે ફોન કર્યો હતો અને સરપંચે સિદ્ધપુર પોલીસને ફોન કરતાં પીએસઆઈ કલ્પનાબેન ગોસ્વામી, એએસઆઈ પ્રકાશભાઈ તેમજ અન્ય સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરતાં મૃતક યુવક કનૂજી ભગાજી ઝાલા (ઉ.વ.રર) રહે.સુણસર તા.ચાણસ્માના ફોનમાં યુવતીનો ફોટો હોઈ તે મોકલીને ખાતરી કરતાં યુવતીનું નામ ટ્‌વીન્કલ ભરતજી ઠાકોર (ઉ.વ.ર૦) રહેે.લણવા તા.ચાણસ્મા હોવાનું મળ્યું હતું. પોલીસ બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલી વાલીવારસોને સુપરત કર્યા હતા.