(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૮
ગુજરાત સરકારમાં કામ કરતા અધિકારીઓ કામ કરતા ન હોવાની અને ફરજમાં ગેરહાજર રહી મનસ્વી વર્તન કરતો હોવાની છાશવારે ફરિયાદો ઉઠતી જ રહે છે. પરંતુ ઓફિસમાં હાજર ન રહી સતત ગેરહાજર રહેનાર અધિકારી પોતાની જાતને ભગવાનનો કલ્કી અવતાર ગણાવતા હોવાનો કદાચ પ્રથમ કિસ્સો બહાર આવ્યો છે. રાજ્યના સરદાર સરોવર નર્મદા નિગમના એક અધિકારી સતત ફરજ પર ગેરહાજર રહેતા તેમને પાઠવાયેલી કારણદર્શક નોટિસના જવાબમાં તેમણે પોતાને વિષ્ણુનો કલ્કી અવતાર ગણાવી સાધના માટે હાજર રહી શકતા ન હોવાનું જણાવ્યું હતું. તા.૧૫મી મે ૨૦૧૮ના રોજ સરદાર સરોવર પુનવર્સન એજન્સીના કમિશનરે ઈજનેર રમેશચંદ્ર ફેફરને નોટિસ આપી હતી કે, તા.રર સપ્ટેમ્બર ર૦૧૭થી તેઓ ફરજ ઉપર ગેરહાજર રહે છે. આઠ મહિનામાં તેમણે કુલ ૧૬ દિવસ જ નોકરી કરી છે. તેઓ રાજ્યપત્રીત અધિકારી છે અને તેમના તાબાના કર્મચારીઓને માર્ગદર્શન આપી તેમણે કામ લેવાનું છે પણ તેઓ ફરજ ઉપર ગેરહાજર રહેતા હોવાને કારણે તેમને સોંપવામાં આવેલા કામ ઉપર અસર થાય છે. આ પત્રના જવાબમાં તા.૧૭મી મેએ રમેશચંદ્રે જણાવ્યું હતું કે, હું વિષ્ણુનો દસમો કલ્કી અવતાર છું અને હાલમાં હું વૈશ્વિક ચેતના અને વરસાદ માટે સાધના કરી રહ્યો છું. રમેશચંદ્ર રાજકોટમાં રહે છે અને વડોદરામાં ફરજ બજાવે છે. આ પત્રની સાથે તેમણે વિગતવાર પોતાની સાધનાની વાત પણ ટાંકતા લખ્યું છે કે, તેમના કારણે રાજ્યમાં સારો વરસાદ થઈ રહ્યો છે. તેમણે સાધના કરી માટે મચ્છુ ડેમ છલકાઈ ગયો હતો. તેમણે શરૂ કરેલી સાધનાને કારણે ૧૬ ડિસેમ્બર ર૦૧રથી સતયુગની સ્થાપના થઈ છે. કેટલાક ઈશ્વર વિરોધી તત્ત્વો વરસાદને રોકવાનો પ્રયાસ કરે છે પણ તેમની સાધનાને કારણે દુષ્કાળ પડતો નથી. આવી સ્થિતિમાં હું ઓફિસમાં ભૌતિક રીતે બેસું તેના કરતાં ઘરે રહી સાધના કરૂં તે મહત્ત્વનું છે. હું સાધના કરૂં તેના કારણે વરસાદ પડે તેનું વાતાવરણ ઊભું થાય તે વધારે જરૂરી છે. તેમણે પોતાની સાધનાના પરિણામની વાત કરતા ટાંક્યું છે કે, જે અમેરિકામાં દર ત્રણ વર્ષે દુષ્કાળ પડતો હતો ત્યાં છેલ્લા ૧૯ વર્ષથી સારો વરસાદ થઈ રહ્યો છે પણ અમેરિકાના વૈજ્ઞાનિકો સારો વરસાદ કેમ થઈ રહ્યો છે. તેના કારણો શોધી શકયા નથી પણ કલ્કી અવતાર છું જેના કારણે આ શક્ય બન્યું છે. આ કાર્ય હું ઓફિસમાં બેસીને કરી શકું નહીં આથી ઓફિસમાં ભૌતિક રીતે હાજર રહેતો નથી. કારણદર્શક નોટિસમાં અધિક્ષક ઈજનેર રમેશચંદ્ર ફેફરે આપેલો જવાબ સરકારી અધિકારીઓ માટે પણ વિચિત્ર કહી શકાય તેવો જવાબ છે અને એટલા માટે જ આ નોટિસ અને તેના જવાબથી સૌ કોઈ આશ્ચર્યચકિત થયા છે ત્યારે હવે આ નોટિસના જવાબ બાદ તંત્ર દ્વારા શું કાર્યવાહી કરાય તે મહત્ત્વનું બની રહેશે.