માંગરોળ, તા.ર૪
માંગરોળ બંદર પર લઘુમતી સમુદાયના લોકો પર ખારવા લોકોના મારામારીના બનાવો સામાન્ય થઈ ગયા છે. થોડા દિવસો પહેલા શહેરના મુખ્ય બજારમાં જાહેરમાં મુસ્લિમ યુવક પર ચાર ખારવા યુવકો દ્વારા જીવલેણ હુમલો કરાયો હતો. ત્યારે ફરી બંદર પર મુસ્લિમ યુવક પર ખારવા શખ્સો દ્વારા બેરહેમી પૂર્વક મારમારવામાં આવતા લઘુમતી સમુદાયના લોકોમાં ભય ફેલાયો છે.
આ બનાવની વિગત એવી છે કે ફારૂક અલારખ્ખા પારેખ ઉર્ફે બબરચી નામનો યુવક બંદર પર બોટોમા સુથારી કામ કરી ગુજરાત ચલાવતો હોય. તે બંદરના ખારવા શખ્સ દામોદર ધનજી ચામુંડિયા પાસેથી આવી સુથારી બાબતની મજૂરીના એક લાખ રૂપિયા છેલ્લા દોઢેક વર્ષથી માગતો હોય તે રૂપિયાની માગણી કરતા દામોદર ઘનજી અને અન્ય એક સંજય નામનો ખારવા યુવક ઉગ્ર બોલાચાલી કરી લાકડાના છાડાઓ લઈ ફારૂક પર તૂટી પડેલ અને તેને હાથ, પગમાં અને વાસા પર બેરહેમી પૂર્વક મારા મારી કરી ગંભીર રીતે ઘાયલ કરી દેતા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. શરીર પર ગંભીર ઈજાઓ જણાતા વધુ સારવાર માટે તબીબે ફારૂકને જૂનાગઢ રીફર કરવો પડ્યો હતો. આ બનાવની જાણ થતાં મુસ્લિમ સમાજના મો. હુસેન ઝાલા, હનીફ પટેલ, હાસમ હમાલ સહિતના આગેવાનો સરકારી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.
માંગરોળ બંદર પર લઘુમતી સમુદાય લોકો અને ખારવા સમાજના લોકો માછલા અને બોટોના ધંધામાં વર્ષોથી સંકળાયેલા છે અને આ બંને સમાજના લોકો વર્ષોથી સાથે મળીને વેપાર ધંધો કરે છે. પરંતુ બંદર પરના કેટલાક તત્ત્વોને આ કણાની જેમ ખૂચતુ હોય તેમ બંને સમાજની એકતા અને શાંતિ ડહોળવાના મલીન ઈરાદા સાથે અનેક વાર નિર્દોષ લોકો પર હુમલાઓ કરવામાં આવે છે. ત્યારે માગરોળ પોલીસ કોઈપણ પ્રકારની સેહશરમ અને રાજકીય દબાણમાં આવ્યા વિના આવા નઠારા તત્ત્વોને કાયદાનું ભાન કરાવે તેવી લોક માંગ ઉઠી છે.