અમદાવાદ,તા.ર
વડોદરામાં ભારે વરસાદને પગલે છેલ્લા ત્રણ દિવસથી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જો કે આ સ્થિતિને ૪૮ કલાક જેટલો સમય થવા છતાં હજુ અડધુ વડોદરા પાણીમાં છે અને વીજળી, પાણી અને અનેક જીવન જરૂરી વસ્તુઓ માટે લોકોને રીતસરના ફાંફાં પડી રહ્યા છે. વિશ્વામિત્રી નદીની સપાટી ૩૧ ફુટે પહોંચી છે અને આજવા ડેમની સપાટી પણ ઘટી છે.
વડોદરા શહેરમાં પાણી ઉતરવા લાગ્યા છે જો કે, નિચાણવાળા અને કાંઠાના વિસ્તારમાં પાણી હજુ સુધી ઉતર્યા નથી અને લોકોની મુશ્કેલી ઓછી થઈ નથી. પૂરની સ્થિતિ વચ્ચે વડોદરા શહેરમાં આજે બપોર બાદ ફરીથી વરસાદ શરૂ થતા લોકો ચિંતામાં મુકાયા છે. જો કે હજુ લો-પ્રેશર સીસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના નિષ્ણાતોએ જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતથી લઈને રાજસ્થાનમાં અપર એર સાયકલોનિક સરકયુલેશન, મધ્યપ્રદેશમાં લો-પ્રેશર અને પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ઉત્તરપ્રદેશમાં વરસાદી સીસ્ટમ સક્રિય બની હતી. આ ત્રણેય સીસ્ટમ એક સાથે સક્રિય બનતા વડોદરામાં ધોધમાર ર૦ ઈંચ વરસાદ ખાબકયો હતો. વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરનું સંકટ હજુ સંપૂર્ણ ટળ્યું નથી, ત્યારે ૪૦ કલાકના વિરામ બાદ વડોદરા શહેરમાં ફરીથી વરસાદ શરૂ થતા પૂરની સ્થિતિનો સામનો કરનાર શહેરીજનો ચિંતાતુર બની ગયા હતા. આ સાથે છેલ્લા ૪૦ કલાકથી ખડેપગે બચાવ કામગીરી કરી રહેલી એન.ડી.આર.એફ., પોલીસતંત્ર, ફાયર બ્રિગેડ અને સામાજિક સંસ્થાઓ પણ મુંઝવણમાં મુકાઈ ગયા છે.

વડોદરાથી સુરત અને અમદાવાદની બસ સેવા શરૂ

વડોદરામાં વરસાદના ૪૮ કલાક બાદ ધીરે-ધીરે પૂરના પાણી ઉતરવા લાગ્યા છે પાણી ઓસરતા અમદાવાદથી વડોદરા અને વડોદરાથી સુરત તરફની બસ સેવા શરૂ કરવામાં આવી છે આ ઉપરાંત ગોધરા તરફથી આવતી જતી બસોનું સંચાલન યથાવત છે. આમ ભારે વરસાદના કારણે બંધ કરાયેલ બસ સેવા પુનઃ ચાલુ કરાઈ છે.

ત્રણ દિવસથી ભૂખ્યા-તરસ્યા લોકોને હોડીઓની મદદથી ભોજન પહોંચાડાયું

અમદાવાદ,તા.ર
વડોદરામાં ત્રણ દિવસથી પૂરની સ્થિતિ છે. જેને પગલે અનેક શહેરીજનો પાણીમાં ફસાયા છે અને તેઓ મદદની રાહમાં બેઠા છે. તેમાં પણ મોટાભાગના લોકો તો ત્રણ દિવસથી પાણી અને ભોજન વિના ટળવળી રહ્યા છે, ત્યારે પોલીસ લોકોની મદદે પહોંચી છે. પૂરના પાણીમાં ફસાયેલા લોકોની મદદ માટે જ્યાં એનડીઆરએફ પહોંચી શકતી નથી ત્યાં પોલીસ પહોંચી રહી છે. પોલીસ અને સ્થાનિકો સાધનોના અભાવ વચ્ચે પણ લોકોની મદદ કરી રહી છે. આજે શહેરમાં પોલીસ દ્વારા પાટિયા નીચે ચાર પીપડા બાંધી હોડી જેવો ઘાટ બનાવી લોકોને પીવાનું પાણી અને ભોજન પહોંચાડી રહી છે. વડોદરા શહેરના સ્ટેશન વિસ્તાર છેલ્લા બે દિવસથી પાણી પાણી થઇ ગયો હતો. જોકે આજે સ્ટેશન વિસ્તારમાં પાણી ઉતરવાનું શરૂ થઇ ગયું છે. આ ઉપરાંત રાવપુરા, કાલાઘોડા, કારેલીબાગ સહિતના વિસ્તારોમાં પાણી ઉતરી ગયા છે. સાંજ સુધીમાં પૂરની સ્થિતિ દૂર થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. જોકે વરસાદની આગાહીને પગલે વડોદરાવાસીઓમાં ચિંતા જરૂર જોવા મળી રહી છે.

નેતાઓ જળપ્રલયમાં ફરક્યા નહીં : પૂરના પાણી ઓસર્યા બાદ પહોંચેલા નેતાઓનો લોકોએ ઉધડો લીધો

અમદાવાદ,તા.ર
મત માંગવા માટે કાર્યરોના કાફલા સાથે ડોર ટુ ડોર જનારા નેતાઓ વડોદરામાં બે દિવસ સુધી ભારે જળપ્રલયમાં બહાર સુદ્ધાં પણ ફરક્યા ન હતા. જ્યારે પૂરના પાણી ઓસર્યા નહીં કે તરત જ નેતાઓનો કાફલો રસ્તા પર ઉતરી આવ્યો હતો. બે દિવસ સુધી જ્યાં લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા ત્યારે એક નેતા મદદ માટે આવ્યો ન હતો. ત્યારે આજે નેતાઓ લોકોની વચ્ચે આવતાં જનતાએ તેમનો ઘેરાવ કરી વિરોધ કર્યો હતો. તેમાં વડોદરાના સાંસદ રંજન ભટ્ટ અને ધારાસભ્યોનો લોકોએ ઘેરાવ કર્યો હતો. જળ બંબાકારથી વડોદરાના હાલ બેહાલ થયા હતા. પણ ૪૮ કલાક બાદ પાણી ઓસર્યા બાદ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી વડોદરા પહોંચી ગયા હતા. પણ તેઓએ એસી રૂમમાં બેસીને વડોદરાની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. વડોદરાના કંટ્રોલ રૂમથી જીતુ વાઘાણીએ કલેક્ટર અને ઈન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર સાથે સમીક્ષા કરી હતી. આ સમયે રાજ્યમંત્રી યોગેશ પટેલ અને મેયર સહિતના નેતાઓ હાજર હતા. તો બીજી બાજુ વડોદરામાં પાણી ભરાઈ જવાને કારણે લાખો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વડોદરાના સાંસદ રંજન ભટ્ટ જ્યારે સમા વિસ્તારમાં લોકો સમક્ષ પહોંચ્યા તો તેમને લોકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું. લોકોએ રીતસરનો સાંસદ રંજન ભટ્ટનો ઉધડો લીધો હતો. સ્થાનિક લોકોએ ઘેરાવ કરી લીધો હતો. તો શહેરવાડીના ધારાસભ્ય મનિષા વકીલનો પણ લોકોએ ઘેરાવ કરી વિરોધ કર્યો હતો. સ્થાનિકોએ કહ્યું કે, આજે માત્ર દેખાડો કરવા માટે નેતાઓ પહોંચ્યા છે.