(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૨
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઘલા ગામ ખાતે આવેલી તલાટી કમ મંત્રીની ઓફિસમાં માતાની બે જમીનોમાં બહેનો તથા એક ભાઈનું નામ વારસાઈમાંથી કાઢી પોતે એકલા જ વારસદાર હોય તેવી રીતે ખોટું પેઢીનામું બનાવનાર પુત્ર સામે પાવર ઓફ એટર્નીના ધારકે કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરતા પોલીસે ગુનો નોંધી કેનેડા ખાતે ભાગી ગયેલા પુત્રની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
કામરેજ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ચોકબજાર સીંધીવાડ સલીમ મંઝીલ ખાતે ઈરફાન ઈસ્માઈલ સીલ્કવાળા કાપડની દલાલી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના મોટાભાઈ નૂરમહંમદ સીલ્કવાળા દક્ષિણ આફ્રિકા રહે છે. તેઓના સંપર્કમાં દક્ષિણ આફ્રિકા ખાતે રહેતા ફઝીલાબેન આવ્યા હતા. તેઓએ દક્ષિણ આફ્રિકાથી જમીન બાબતનો વહીવટ પાવર ઈરફાનભાઈ સીલ્કવાળાના નામનો બનાવી આપ્યો હતો. કામરેજ ઘલા ગામ ખાતે આવેલી બ્લોક નંબર ૮૫-૯૧-૧૨૮ તથા ૧૩૦ નંબરની જમીન સંયુક્ત નામે છે. જેમાં બ્લોક નં.૮૫ની જમીન સાડા આઠ વિઘા તથા બ્લોક નં.૧૨૮ની જમીન ત્રણ વિંઘા જેટલી છે. પાવર ઓફ એટર્નીના ધારણ કરનાર ઈરફાન સીલ્કવાળાએ કામરેજ મામલતદાર કચેરી તથા તલાટી કમ મંત્રી પાસે ૭/૧૨ અને ગામના નમૂના નંબર-૬ની નકલો કઢાવતા આરોપી હાસીમ ઈસ્માઈલ પટેલે ખોટુ પેઢીનામું બનાવી વારસદાર તરીકે પોતાનું એકલાનું નામ બનાવ્યું હતું. જ્યારે અમીનાબેન ઈસ્માઈલ પટેલની પુત્રીઓ અને પુત્રનું નામ પેઢીનામાં બતાવયું ન હતું. ખોટું પેઢીનામું બનાવનાર પુત્ર હાસીમે સાક્ષી તરીકે યાકુબ પટેલ, ઐયુબ પટેલ, રમેશ પરમાર, અબ્દુલ રૌફ હાફેઝીને બતાવી સહીઓ કરાવી હતી. આ સાથે ઘલાના હાસીમ ઈસ્માઈલ પટેલે બ્લોક નં.૮૫ તથા ૧૨૮માં પત્ની હાજીરાબીબી, ઝુબેર ઈસ્માઈલ, નૂરબાનુ, ઝૈનુલ, આઈસાઘોરી, અહમદ, રૂકશાના , ફાતેમા, ઈબ્રાહીમ તથા તસ્લીમાના નામો સહભાગીદાર તરીકે દાખલ કરાવ્યા હતા. આરોપી હાસીમ ઈસ્માઈલ પટેલે બ્લોક નં.૯૧ની જમીનમાં તમામ વારસદારોના નામો બતાવ્યા છે. જોકે આરોપી હાસીમ પટેલ સામે કરજણ અને વિરપુર ગામની જમીન બાબતે પણ ગુનો દાખલ કરાવવાના ચક્રોગતિમાન કરાયા છે. કામરેજ પોલીસે આઈપીસી ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ મુજબનો ગુનો દાખલ કરતા કેનેડા ખાતે ફરાર થઈ ગયેલા હાસીમ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હોવાનુંજાણવા મળે છે.