(એજન્સી) અલીગઢ, તા. ૨૯
ઉત્તરપ્રદેશના અલીગઢ વહીવટીતંત્રે માર્ગો પર ધાર્મિક આયોજન પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવી દીધો છે. આ નિર્ણય કેટલાક હિંદુ સંગઠનો દ્વારા માર્ગો પર નમાઝ પઢવા વિરૂદ્ધ હનુમાન ચાલીસાનું પઠન કરવાની યોજના બાદ લવાયો છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્રે આ પગલું કોઇ અશાંતિભરી સ્થિતિથી બચવા માટે સાવચેતીના ભાગરૂપે લગાવ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર ગત સપ્તાહે ત્યારે સફાળું જાગ્યું હતું જ્યારે હિંદુ જાગરણ મંચ સહિત કેટલાક હિંદુવાદી જૂથોએ દરેક મંગળવારે માર્ગો પર હનુમાન ચાલીસાનું પાઠ કરવા અને આરતી કરવાની જાહેરાત કરી હતી. આ સંગઠનો મુસ્લિમો દ્વારા શુક્રવારે જુમ્માની નમાઝ માર્ગો પર અદા કરવાનો વિરોધ કરી રહ્યા હતા. જોકે અલીગઢ વહીવટીતંત્રનો આ નિર્ણય હિંદુ જાગરણ મંચના નેતાઓને પસંદ પડ્યો ન હતો અને તેણે જાહેરાત કરી હતી કે, તે પ્રતિબંધની અવગણના કરશે.
હિંદુ જાગરણ મંચના પ્રદેશ મહાસચિવ સુરેન્દ્રસિંહ ભાગોરે અધિકારીઓને જાહેરમાં ચેતવણી આપી હતી અને માર્ગો પર તમામ ધાર્મિક આયોજનોને પ્રતિબંધિત કરવાને લઇ અલીગઢના જિલ્લા અધિકારીઓને ચેતવણી આપી હતી. સુરેન્દ્રસિંહે શુક્રવારે એક નિવેદનમાં જિલ્લા અધિકારી ચંદ્રભૂષણસિંહને હનુમાન ચાલીસાના પાઠનું વાંચનને પ્રતિબંધિત કરવાના આદેશ પર આગળ વધવા વિરૂદ્ધ ચેતવણી ઉચ્ચારી હતી. અધિકારીએ કહ્યું કે, ચેતવણી આપનારો તેમની વીડિયો ક્લિપ વાયરલ થયા બાદ શનિવારે તેમની વિરૂદ્ધ આઇપીસીની કલમ ૧૪૭ અને ૫૦૬ તથા ૧૫૩ અંતર્ગત ફરિયાદ દાખલ કરાઇ છે. તેમણે એમ પણ કહ્યું કે, આ અંગે વધુ તપાસ ચાલુ છે.
અલીગઢના ડી.એમ. વિરૂદ્ધ ચેતવણી ઉચ્ચારનાર હિંદુ જાગરણ મંચના પ્રદેશ મહાસચિવ સામે ફરિયાદ દાખલ

Recent Comments