અમદાવાદ,તા.૩૦
અમદાવાદ સહિતના તમામ ડિવિઝનના મોટાં રેલવે સ્ટેશનો પર ગંદકી દેખાશે તો રેલવે મુસાફરો હવે તેના ફોટા પાડી વોટ્‌સઅપ દ્વારા ફરિયાદ કરી શકશે. રેલવે તંત્રએ ટિ્‌વટર પર ફરિયાદ સ્વીકારવાની શરૂઆત કરી દીધી છે, પરંતુ સાથે સાથે હવે સ્ટેશનો કે ટ્રેનમાં ગંદકી અંગેની કોઇપણ ફરિયાદ પણ વોટ્‌સઅપ પર સ્વીકારવાની શરૂ કરી છે.
કોઇ પણ સ્ટેશન ઉપર ટ્રેનમાં ગંદકી દેખાશે, રેલવે સ્ટેશન પરના પે એન્ડ યુઝ ટોઇલેટમાં ગંદકી કે અસ્વચ્છતા જણાય અથવા તો મુસાફર પાસેથી વધારે ચાર્જ વસૂલવામાં આવે તો મુસાફર ગંદકીનો ફોટો રેલવે સ્ટેશનનું નામ રેલવે દ્વારા શરૂ કરવામાં આવેલા વોટ્‌સઅપ નંબર ૯૦૦૪૪૯૯૭૩૩ અને ૯૭ર૪૦૯૭૬૯૭ પર મોકલી શકશે. રેલવે દ્વારા શરૂ કરવામાં આવેલો આ વોટ્‌સઅપ નંબર ર૪ કલાક કાર્યરત રહેશે રેલવે મુસાફરની ફરિયાદ મળતાં જ અધિકારી દ્વારા ફરિયાદના આધારે સ્થળ પર કર્મચારીને મોકલીને પગલાં લેવામાં આવશે. રેલવેની કોઇ પણ સેવા સબંધિત ફરિયાદ માટે વોટ્‌સઅપ નંબર ઉપરાંત જે મુસાફર પાસે નેટવર્ક કે વોટ્‌સઅપની સુવિધા નથી તે પ્રવાસી પ૮૮૮૮ પર એસએમએસ કરીને પણ ફરિયાદ કરી શકશે. આમ હવે માત્ર ૧૮ર, ૧૩૮ કે ૧૩૯ જ નહીં વધુ વોટ્‌સઅપ નંબર પણ જાહેર કરાયા છે. ટ્રેનમાં અથવા રેલવે પ્લેટફોર્મમાં કોઇપણ પ્રકારના ગુનાઓ માટેની ફરિયાદ ૧૮ર નંબર પર કરી શકાય છે. રેલવેનાં કોઇપણ પ્રકારની મેડિકલ ઇમર્જન્સી ટ્રિટમેન્ટ મેળવવા કે કોચ મેન્ટેનન્સ ખાણીપીણી બાબતની ફરિયાદ ૧૩૮ પર કરી શકાય છે. ટ્રેનની સ્થિતિ પીએનઆર ટિકિટ વગેરે માટે ૧૩૯ પર સંપર્ક કરી શકાય છે.