(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૪
સુરતમાં હ્યુમન રાઇટ્‌સ એક્ટિવીસ્ટના નામે શહેરભરના ડોક્ટરોને નિશાન બનાવી તેમની પાસેથી રૂપિયા પડાવવાની ઘટનાઓમાં એડવોકેટ કે.ડી. સોલડિયાની પોલીસે ધરપકડ કર્યા બાદ,ોની સામે એક પછી એક ફરિયાદો દાખલ થવાનું શરૂ થયું છે. છેલ્લા કેટલાક સમયથી ઉપરાછાપરી તબીબો ભોગ બન્યા બાદ આખરે એક તબીબે દાખવેલી હિંમત રંગ લાવી છે અને હવે ભોગ બનનાર તમામ તબીબો પોલીસ ફરિયાદ કરવા સામે આવી રહ્યા છે. અઠવા પોલીસ મથકમાં કે.ડી. સોલડિયા સામે ફરિયાદ દાખલ થયા બાદ ગતરોજ ચોકબજાર અને કતારગામ પોલીસ મથકમાં પણ તેના વિરૂદ્ધ ફરિયાદ નોંધાવા પામી છે. જેથી હાલ તો પોલીસે કે.ડી. સોલડિયા સહિત બીજા મળતિયાઓ સામે ગુનો નોંધી તપાસ આદરી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના કતારગામ વિસ્તારની લલિત ચોકડી પાસે રહેતા કે.ડી. સેલડિયા નામના વ્યક્તિએ વરાછા, કતારગામ, ચોક, અઠવા વિસ્તારમાં તબીબોનો તોડ કરવામાં કોઇ કસર બાકી રાખી નથી. એનકેન પ્રકારે તબીબોને ધમકાવી દર્દીઓ મારફતે તબીબો પાસે લાખ્ખો રૂપિયા પડાવી લેવામાં આવતા હતા. આ ઉપરાંત કેટલાક તબીબોને તમે હોમિયોપેથિક તબીબ છો અને એલોપેથિકની પ્રેક્ટિસ કરો છો. તેમ કહી તેઓને ખોટી રીતે બ્લેકમેઇલ કરી મીડિયામાં બદનામ કરવાની તથા ફસાવી દેવાની ધમકી આપી લાખ્ખો રૂપિયા વસૂલી લેતા હતા. જોકે કે. ડી. સેલડિયાની આ પ્રકારની પ્રવૃત્તિઓ વચ્ચે આખરે એક તબીબે ફરિયાદ લખાવવાની હિંમત કરી હતી. કે. ડી. સેલડીયા અને તેના મળતિયાઓએ કરંજ હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતી મહિલા તબીબને પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતાં હોવાની ધમકી આપી બ્લેકમેઇલ કરતા હતા અને પતાવટ માટે પાંચ લાખની માંગણી કરી હતી.આ ઉપરાંત પાંચ લાખની વસૂલી માટે કે. ડી. સેલડીયાએ બે માણસો કરંજ હેલ્થ સેન્ટર પર મોકલી મહિલા તબીબ પાસેથી પાંચ લાખ બળજબરીથી કઢાવવાની કોશિશ કરતા આખરે તેના પતિ ડો.અરવિંદ શર્માએ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ડૉ. અરવિંદ શર્માની ફરિયાદ બાદ ભોગ બનનાર બીજા તબીબોની હિંમત ખુલી હતી.
મોટા વરાછા વિસ્તારમાં મહારાજા ફાર્મની બાજુમાં આવેલા ભાવની હાઇટ્‌સમાં રહેતા સંદિપ વજુભાઇ નાવડિયા કતારગામ આંબાતલાવડી પાસે નવાડિયા ક્લિનિક નામનું ક્લિનિક ચલાવે છે.સંદીપભાઇએ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે જાન્યુઆરી મહિનામાં કે.ડી. સેલડીયા(રહે. લલીતા ચોકડી કતારગામ), સંજય પરમાર અને મનિષ ભુવા નામના ત્રણ વ્યક્તિઓ તેમના ક્લિનિક પર આવ્યા હતા. જ્યાં કે. ડી. સેલડીયા એ પોતાની ઓળખ વકીલ તરીકે આપી તમે હોમિયોપેથિક ડોક્ટર છો અને તમે એલોપેથીક પ્રેક્ટિસ કરો છો જે ગેરકાયદેસર છે તેમ કહી તમારૂ ક્લિનિક ચલાવવું હોય તો પતાવટ પેટે રૂપિયા અઢી લાખ આપવાની માગણી કરી હતી અને જો પૈસા નહીં આપો તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી તેઓએ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ઉપરાંત વેડરોડ પર અખંડ આનંદ કોલેજ પાછળ નીકલંઠ કોમ્પેલેક્ષમાં રહેતા ડો. કમલેશભાઇ ત્રીકમભાઇ વરીયા ચોકબજાર વિસ્તારમાં ડભોલી રોડ પર આવેલા કિનાર રેસિડેન્સીમાં આનંદ ક્લિનીક નામનું ક્લિનીક ચલાવે છે. જ્યાં પણ કે. ડી. સોલડીયા તેના બે માણસો સાથે આવી પોતાની ઓળખ હ્યુમન રાઇટ્‌ એક્ટીવીસ્ટ તરીકે આપી હતી. બાદમાં તેણે જણાવ્યું હતું કે, તમારી દવાથી દર્દીને રીએક્શન આવ્યું છે. તમારે આ કેસની પતાવટ કરવી પડશે તેમ કહી આર્થીક સહાય બળજબરીથી માંગી લીધી હતી. આ ઉપરાંત ડોક્ટર રમેશભાઇ ભગવાનભાઇ લવાણી પાસેથી પણ કે. ડી. સોલડીયાએ તમારી દવાથી દર્દીને રીએક્શન આવેલ છે. પતાવટ કરવી પડશે તેમ કહી બે લાખની માંગણી હતી અને છેલ્લા પટાવત પેટે રૂપિયા એક લાખ લઇ બળજબરીથી કઢાવી લીધા હતા. જેથી આખરે બંને તબીબોએ ચોકબજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.