મોડાસા, તા.૧૪
મોડાસા તાલુકાના ખંભીસર ગામમાં આઝાદીના આટલા વર્ષો પછી પણ એક પણ અનુસૂચિત જાતિના વ્યકિતનો ઘોડા ઉપર વરઘોડો નીકળ્યો નથી. ત્યારે ગામના ડાહ્યાભાઈ પુંજાભાઈ રાઠોડના પુત્ર જયેશના રવિવારે લગ્ન હોવાથી પોલીસ રક્ષણ સાથે ગામમાં ડીજે સાથે વરઘોડો નીકળ્યો હતો જાહેરમાર્ગ પર ગામની મહિલાઓએ ભજન-કીર્તન કરી વરઘોડાને અટકાવતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે હોવા છતાં જાહેરમાર્ગ પરથી મહિલાઓને હટાવવામાં નિષ્ફળ રહેતા બંને જૂથ સામસામે આવી ગયા હતા અને ત્યારબાદ બંને જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાવાની સાથે પથ્થરમારામાં બંને જૂથના કેટલાક લોકો અને પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
મહિલા ડીવાયએસપી ફાલ્ગુની પટેલ અને પીએસઆઈ ચાવડા દલિત સમાજને રક્ષણ આપવાના બદલે તેમની સાથે અભદ્ર શબ્દ પ્રયોગ કરી ધમકાવતા અને બંને મહિલા અધિકારીની શંકાસ્પદ કામગીરી હોવાના આક્ષેપ સાથે મંગળવારે મોટી સંખ્યામાં અનુ.જાતિના અગ્રણીઓ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં પહોંચી ફરિયાદ નોંધવાની માંગ સાથે ફરિયાદ નોંધવા પહોંચતા અને ફરિયાદ નોંધવામાં ઠાગા-ઠૈયા કરતા પોલીસતંત્ર અને સરકાર વિરૂદ્ધ નારેબાજી કરતા વાતાવરણ ગરમાયું હતુું.
ખંભીસર ગામના અનુ.જાતિના યુવક જયેશ ડાહ્યાભાઈ રાઠોડનો વરઘોડામાં વિઘ્ન સર્જનાર પટેલ સમાજના કેટલાક લોકો સાથે ડીવાયએસપી ફાલ્ગુની પટેલ અને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ ચાવડા કાયદાનું રક્ષણ કરવાના બદલે અનુ.જાતિ સમાજના વડીલો,મહિલાઓ અને યુવકને જાતિગત માનસિકતાના આક્ષેપ સાથે બંને મહિલા અધિકારીના ગેરવર્તણૂકના વીડિયો સાથે ફરિયાદ નોંધવા અનુ.જાતિના અગ્રણીઓ અને યુવકોના ટોળે-ટોળા મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ નોંધાવવા મક્કમ બનતા પોલીસતંત્ર માટે કપરા ચઢાણ દેખાતા ફરિયાદ લેવામાં આનાકાની કરતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. કેટલાક દલિત અગેવાનોએતો પીડિત યુવક કે પરિવારજનો ફરિયાદ નહીં નોંધાવેતો જાતે ફરિયાદી બનશે તેવું જણાવતા આગામી સમયમાં આ મામલો વધુ પેચીદો બને તો નવાઈ નહીં..!
પ્રાપ્ત માહિતી મુજબ અનુ.જાતિ સમાજના આગેવાનો અને પાટીદાર સમાજના આગેવાનો સમાધાન માટે પ્રયત્ન કરી રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી.