પાલિતાણા, તા.૫
પાલિતાણા તાબાના ભંડારિયા ગામે “આપાદર્શન ફાર્મ હાઉસ”માં રહેતા અને ભાવનગરમાં રાધેકૃષ્ણ રોડલાઈન ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા આહિર સમાજના અગ્રણી એવા ચીથરભાઈ મોભે ગઈકાલે સાંજના સમયે પોતાના જ ફાર્મ હાઉસમાં જાતે રિવોલ્વર વડે ગોળી મારી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવના પગલે સમાજના લોકો તેમજ પોલીસનો મોટો કાફલો ત્યાં દોડી ગયો હતો અને લાશને પીએમ માટે ખસેડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગરના બાડી ગામના અને છેલ્લા ઘણા સમયથી પાલિતાણાના ભંડારિયા ખાતે પોતાની માલિકીની જગ્યા પર “આપા દર્શન ફાર્મહાઉસ” બનાવીને રહેતા ચીથરભાઈ મોભ કે, જે ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા હોય અને જેઓ રાધેકૃષ્ણ રોડલાઈનના માલિક હોય, આર્થિક રીતે સુખી એવા ચીથરભાઈ છેલ્લા થોડા સમયથી આર્થિક મુશ્કેલીમાં આવી ગયા હોય અને જેમાં ગઈકાલે સાંજે તેમના ઘરે પીન્ટુભાઈ-ધમભાઈ-ગાંડુભાઈ-ભોલીભાઈ જેવા લોકો ફાર્મહાઉસ ખાતે આવ્યા હતા અને ચીથરભાઈને દસ્તાવેજ કરી આપવા બાબતે વાતચીત કરતા હતા. જેમાં જેનો દસ્તાવેજ કરવાનો હતો તે દસ્તાવેજ આ લોકો બે દિવસ પહેલાં લઇ ગયા હતા અને આજે આ લોકો ફરી આવીને દસ્તાવેજ અન્ય કોઈના નામે કરવા અંગે વાતચીત કરતા હતા. જેમાં ચીથરભાઈ પોતાને કુદરતી હાજતે જવું છે તેમ કહી ઉપરના માળે ગયા જ્યારે પરિવાર તેમજ આવેલા મહેમાનો નીચે બેઠા હતા ત્યારે એકાએક ફાયરીંગનો અવાજ આવતા તમામ લોકો ઉપર દોડી ગયા હતા. જેમાં ચીથરભાઈએ જાતે જ ફાયરીંગ કરીને આત્મહત્યા કરી લેતા દોડધામ મચી હતી. જેમાં આ બાબતની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી જ્યારે સમાજના લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. આ બનાવમાં પોલીસે હાલ કાગળ પરની કાર્યવાહી કરી લાશને પીએમ માટે મોકલી આપી છે તેમજ જે હથિયારથી આત્મહત્યા કરી હતી તે કબજે લઇ તે પરમીટ વાળું છે કે વગરનું તે અંગે તપાસ હાથ ધરી છે. આ બનાવમાં હાલ શાંતિ છે પરંતુ ગમે ત્યારે અશાંતિ સર્જી શકે તેવી લોકો શંકા વ્યક્ત કરી રહ્યા છે.