(એજન્સી)
શ્રીનગર, તા. ૧૧
નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાહે ગુરૂવારે જણાવ્યું હતું કે, કાશ્મીરનો મુદ્દો શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે ભાજપની આગેવાનીવાળી કેન્દ્ર સરકારે પાકિસ્તાન સાથે મંત્રણાનો પ્રવાહ શરૂ કરવો પડશે જે રીતે અફઘાનિસ્તાનમાં વિદ્રોહી દળો સાથે હિંસા ટાળવા મંત્રણા કરવામાં આવી તેવી જ રીતે કરવી જોઇએ. અબ્દુલ્લાહે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર કહે છે કે, પાકિસ્તાને શાંતિપૂર્ણ મંત્રણા શરૂ કરવા માટે આતંકવાદને ડામવો પડશે. અફઘાનિસ્તાનમાં શું થાય છે તે તમારે જોવું જોઇએ જ્યાં દેશમાં ચાલી રહેલી હિંસાને પગલે તાલિબાનના પ્રતિનિધિઓ અને સરકારના અધિકારીઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે. કાશ્મીર મુદ્દે પણ સરકારે આ જ નીતિ અપનાવવાની જરૂર છે. સલામતી દળો, એનઆઇએ અને અન્ય એજન્સીઓ દ્વારા થતી હેરાનગતિથી કાશ્મીરની સમસ્યા ઉકેલાશે નહીં. અફઘાનિસ્તાનમાં શાંતિ રાખવા માટે કતરના પાટનગર દોહામાં તાલિબાનના પ્રતિનિધિઓ અને સરકારના અધિકારીઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે. ફારૂક અબ્દુલ્લાહે આરોપ લગાવ્યો હતો કે, કેન્દ્ર સરકાર ખીણમાં લોકોમાં ભાગલા પાડવાના ઇરાદાથી કાશ્મીરમાં આરએસએની શાખાઓ ખોલવાના પ્રયાસ કરી રહી છે. ૧૯૪૭માં ભારત અલગ દેશ હતો. પણ આજે તે બદલાઇ ગયો છે કારણ કે, તેઓ આને હવે હિંદુ રાષ્ટ્ર બનાવવા માગે છે. આવનારા તોફાન વિરૂદ્ધ લોકોએ અવાજ ઉઠાવવા તૈયાર રહેવું જોઇએ. અમરનાથ યાત્રા દ્વારા સામાન્ય નાગરિકો દ્વારા જમ્મુ-શ્રીનગર હાઇવેના ઉપયોગ પર અંકુશ લગાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે સવાલ કરતા અબ્દુલ્લાહે કહ્યું કે, હું નેશનલ હાઇવે પર ગયો હતો અને જોયું કે, નાગરિકોને રોકવામાં આવી રહ્યા છે. તેમને શા માટે રોકવામાં આવે છે ? તેમનો શું વાંક છે ? હાઇવે દરેક માટે છે.