અમદાવાદ,તા.૨
ભજીયા હોય કે ફરસાણ તેને તળવામાં જો વેપારીઓ એક જ તેલનો વારંવાર ઉપયોગ કરશે તો નાગરિકોના આરોગ્ય માટે હાનિકારક એવા તેલના ઉપયોગ બદલ હવે વેપારીઓની ખેર નથી. વારંવાર એકનું એક તેલ તળવામાં ઉપયોગમાં લેવાથી લોકોના આરોગ્ય પર ગંભીર અસરો થઇ શકે છે અને લાંબા ગાળે તેનાથી કેન્સર પણ થઇ શકે છે. જેના કારણે હવે આવા તેલ ઉપર પ્રતિબંધ લાવવા માટે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા તા.૧લી જૂલાઇથી અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ રૂલ્સમાં કરાયેલા સુધારાનો અમલ કરવામાં આવનાર છે. જેને પગલે હવે એકનું એક તેલ વાપરનાર વેપારીઓ પર તવાઇ આવશે. ફુડ એન્ડ ડ્રગ વિભાગ વેપારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતું એકનું એક તેલ ખરાબ છે કે કેમ તેના ચેકીંગ માટે હાઇટેક મશીન પણ અમલમાં મૂકાયું છે. આ મશીન વડે માત્ર પાંચ સેકન્ડમાં જાણી શકાશે કે આ તેલ કેટલુ ઘાતક છે, તે આરોગ્યપ્રદ છે કે નહી. તા.૧લી જૂલાઇથી અમલવારી થઇ રહેલા આ નવા રૂલ્સ અંગે રાજયના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર ડો.એચ.જી.કોશીયાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ભજીયા, ફાફડા કે અન્ય કોઇ ફરસાણમાં દુકાનદારો કયા તેલનો તળવા માટે ઉપયોગ કરી રહ્યા છે તેની સીધી રીતે ખબર પડતી નથી. કેટલાક મોટી અને બ્રાન્ડેડ દુકાનદારો તો દાવો કરે છે કે તેઓ શુધ્ધ તેલનો ઉપયોગ કરે છે. જો કે મોટાભાગનાં આ તેલ આખો દિવસ વાપરે છે, તેલ બદલતા નથી. જેના કારણે તે આર્સેજેનિકયુક્ત થઇ જાય છે. સાદી ભાષામાં કહીએ તો બળેલુ તેલ ઝેરી થઇ જાય છે, છતાં તેનો ઉપયોગ થતો હોય છે અને ગ્રાહકો પણ આવા તેલવાળી વસ્તુ ખુબ જ સરળતાથી આરોગી લે છે, પરંતુ તેમને ખબર પણ નથી પડતી કે આવા તેલવાળી વસ્તુ કેન્સર જેવા રોગો નોતરી શકે છે. આ ભેળસેળની ગંભીરતાને ધ્યાને રાખીને ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ રૂલ્સ-૨૦૧૧માં મહત્વના સુધારા કરવામાં આવ્યા હતા, જેમાં હવે વારંવાર ઉપયોગમાં લીધેલા એકના એક તેલનો ઉપયોગ થઇ શકશે નહી. તેલમાં ટોટલ પોલરાઇઝેશન કમ્પાઉન્ડ (ટીપીસી) માપવા માટે રાજ્યના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ખાસ મશીન પણ હવે અમલમાં મૂકવામાં આવ્યું છે જેના મારફતે તેલની શુધ્ધતા કે અશુધ્ધતા તરત જ ખબર પડી જશે. આ ટીપીસી મશીનની ખાસીયત એ છે કે તેલની અંદર તેનું નોઝલ નાખતા જ તેના ટીપીસી કાઉન્ટ દેખાશે, સામાન્ય રીતે ૨૫ ટીપીસીની નીચેનું માપ આવશે તો તેલ સારુ અને આરોગ્યપ્રદ કહેવાશે પરંતુ તે ૨૫થી વધુ ટીપીસી હશે તો, ખરાબ અને બિનઆરોગ્યપ્રદ તેલ કહેવાશે. ડો.કોશીયાએ વધુમાં જણાવ્યું હતું કે, એકના એક તેલનો વારંવાર ઉપયોગ કરવામાં આવે તો તેનું આરોગ્ય વેલ્યુ ખતમ થઇ જાય છે અને તેનું ટોટલ પોલરાઇઝ કમ્પાઉન્ડ વધી જાય છે. આ સિવાય તેમાં કોલેસ્ટોરલ, થીનર કમ્પાઉન્ડ, એસિડ વેલ્યુ વગેરે વધી જાય છે અને લાંબાગાળે કેન્સર સુધીના રોગોને નોંતરે છે, તેથી આવા બિનઆરોગ્યપ્રદ તેલના વારંવાર ઉપયોગ પર પ્રતિબંધ લગાવવા હવે ફુડ સેફ્ટી એન્ડ ડ્ર્‌ગ્સ વિભાગ દ્વારા તા.૧લી જૂલાઇથી નવા રૂલ્સની અમલવારી થવા જઇ રહી છે. બિનઆરોગ્યપ્રદ તેલનો વારંવાર ઉપયોગ કરનારા વેપારીઓ-દુકાનદારો વિરૂધ્ધ હવે ફોજદારી કાર્યવાહી થઇ શકશે. તાજેતરમાં જ રાજ્ય ફૂડ એન્ડ ડ્રગ વિભાગે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાંથી ૨૦૦ કુકીંગ તેલના સેમ્પલ પણ લીધા હતા, જેમાં ૨૭ ટકા સેમ્પલો ફાઇલ થયા હતા. નાગરિકો આવા બિનઆરોગ્યપ્રદ તેલની ફરિયાદો જિલ્લા-તાલુકા કક્ષાની કચેરી, વેબસાઇટ અને ટોલ ફ્રી નંબર પર કરી શકશે.