(એજન્સી) શ્રીનગર, તા.૮
જમ્મુ-કાશ્મીરમાં યોજાનાર પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કારનો નિર્ણય કર્યાના એક દિવસ બાદ નેશનલ કોન્ફરન્સ (એનસી)ના નેતા ફારૂક અબ્દુલ્લાએ શનિવારે એવી ચીમકી ઉચ્ચારી હતી કે, કેન્દ્ર સરકાર જો અનુચ્છેદ ૩પ-એની સુરક્ષા માટે અસરકારક પગલાં લેશે નહીં તો પાર્ટી ફક્ત પંચાયતની જ નહીં પરંતુ લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓનો પણ બહિષ્કાર કરશે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના લોકોને વિશેષાધિકાર આપતો અનુચ્છેદ ૩પ-એને વર્ષ ૧૯પ૪માં રાષ્ટ્રપતિ આદેશ (પ્રેસિડેન્શિયલ ઓફર)થી બંધારણમાં સામેલ કરવામાં આવ્યો છે.
આ અંતર્ગત જમ્મુ-કાશ્મીરના સ્થાયી નિવાસીઓને વિશેષ પ્રકારના અને વિશેષાધિકારો આપવામાં આવ્યા છે. અનુચ્છેદની જોગવાઈઓ અનુસાર રાજ્ય બહારની કોઈપણ વ્યક્તિ પ્રદેશમાં અચલ સંપત્તિ ખરીદી શકતી નથી. આ જોગવાઈ એમના ઉત્તરાધિકારીઓ પર પણ લાગુ થાય છે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીર વ્યવસ્થાની સમસ્યા અંગે કેન્દ્ર અને રાજ્ય સરકારના કથનને ધ્યાનમાં લઈને બંધારણના અનુચ્છેદ ૩પ-એની બંધારણીય કાયદેસરતાને પડકારતી અરજી પરની સુનાવણી આગામી વર્ષની જાન્યુઆરી સુધી મોકૂફ કરી છે. કેન્દ્ર તરફથી મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, ન્યાયમૂર્તિ એ.એમ.ખાનવિલકર અને ન્યાયમૂર્તિ ધનંજયવાય ચંદ્રચૂડની ખંડપીઠ અને એર્ટોની જનરલ કે.કે.વેણુગોપાલ અને રાજ્ય સરકાર તરફથી વધારાના સોલિસીટર જનરલ તુષાર મહેતાએ અનુચ્છેદ ૩પ-એને પડકારતી અરજી પરની સુનાવણી મોકૂફ રાખવા આગ્રહ કર્યો હતો. એમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં આઠ તબક્કામાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર દરમિયાન નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે અને ત્યાં કાયદા-વ્યવસ્થાની સમસ્યા છે. આથી અરજી પરની સુનાવણી ચૂંટણી સમાપ્ત થયા પછી જાન્યુઆરી સુધી મોકૂફ કરવામાં આવે છે તેમ પીઠે જણાવ્યું હતું.