(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૨
ભાજપના ૨૦૧૪ની ચૂંટણીના સૂત્ર ‘સૌનો સાથે સૌનો વિકાસ’ને ટાંકીને જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાહે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કટાક્ષ કરતા જણાવ્યું કે શિવસેના સહિત તેમના સહયોગીઓએ દેશમાં કાશ્મીરીઓ પર થઇ રહેલા હુમલાઓને વખોડી કાઢ્યા છે પરંતુ વડાપ્રધાને કાશ્મીરીઓ પર થઇ રહેલા હુમલાને વખોડ્યા નથી. નેશનલ કોન્ફરન્સના નેતાએ પુલવામાના ત્રાસવાદી હુમલામાં સીઆરપીએફના ૪૦થી વધુ જવાનોની શહાદતને પગલે દેશના અન્ય ભાગોમાં રહેતા કાશ્મીરીઓ પર થઇ રહેલા હુમલાઓ અંગે પીએમ મોદીના મૌન સામે પ્રશ્ન કર્યો છે. ઓમર અબ્દુલ્લાહે જણાવ્યું કે અકાલીદળે કાશ્મીરીઓ પર થઇ રહેલા હુમલાને વખોડ્યા છે. મહારાષ્ટ્રમાં કાશ્મીરીઓને ધમકાવતા લોકોની જાહેરમાં આકરી ટીકા કરીને અમને બધાને ચોંકાવી દીધા છે. બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારજીએ કલમ ૩૭૦ રદ કરવાની વાતનો વિરોધ કર્યો છે. આ બધા પીએમ મોદીના મોટા અને મહત્વના સહયોગીઓ છે. તેમણે એવો પ્રશ્ન કર્યો કે મોદીજીએ કાશ્મીરીઓ પર થઇ રહેલા હુમલા વિશે શું કહ્યું ? કશું જ નથી કહ્યું ! ‘ સૌના સાથ માટે આટલું બધું…’ બુધવારે રાત્રે મહારાષ્ટ્રના યાવતમલમાં રાજકીય કાર્યકરોના એક ટોળા દ્વારા બે કાશ્મીરી વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયામાં આ હુમલાનો વીડિયો વ્યાપક રીતે શેર કરવામાં આવ્યો છે.