(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
ફટાકડા વિના દિલ્હીવાસીઓએ દિવાળીની ઉજવણી કરવી પડશે. સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆઈમાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. પ્રદૂષણથી બચવા માટે ૩૧ ઓક્ટોબર ર૦૧૭ સુધી સુપ્રીમકોર્ટે ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. તેવામાં દિવાળી પર ફટાકડા વેચીને ગુજરાન ચલાવનાર દિલ્હીના ફટાકડાના વેપારીઓમાં નિરાશા છવાઈ ગઈ છે.
દિલ્હીની જામા મસ્જિદ પાસે ફટાકડા બજારના મોટા વેપારી અને નાના દુકાનદાર સુપ્રીમકોર્ટના નિર્ણયથી નારાજ છે અને કરોડો રૂપિયાનું નુકસાન થવાની વાત કરી રહ્યા છે. જામા મસ્જિદ વિસ્તારમાં ફટાકડા વેચતા અજય કુમારે જણાવ્યું કે ગત વર્ષે દિવાળી બાદ ૧૧ નવેમ્બરના રોજ કોર્ટે ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ ૧ર સપ્ટેમ્બર ર૦૧૭ના રોજ કોર્ટે પ્રતિબંધ દૂર કર્યો હતો પરંતુ ૯ ઓક્ટોબર ર૦૧૭ના રોજ ફરીથી પ્રતિબંધ મૂક્યો હતો. જો કોર્ટે વેચાણ પર પ્રતિબંધ મૂક્યો જ હતો. તે પ્રતિબંધ દૂર શા માટે કર્યો. તેનાથી વેપારીઓના નાણા બરબાદ ના થયા હોત.
ઉલ્લેખનીય છે કે કોર્ટે આ નિર્ણય દિવાળી દરમ્યાન વધતા પ્રદૂષણ પર લગામ લગાવવા માટે લેવામાં આવ્યો છે. તેવામાં દિલ્હી-એનસીઆરમાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયમાં પરિવર્તન અંગે સુપ્રીમકોર્ટમાં ફટાકડાના વેપારીઓ અને દુકાનદારોએ અરજી દાખલ કરી છે.
વેપારીઓએ પોતાની અરજીમાં કહ્યું છે કે ૧ર સપ્ટેમ્બરના રોજ આપવામાં આવેલ ચુકાદા બાદ તેમના લાયસન્સ રદ થઈ ગયા હતા અને તેમણે દિવાળી દરમ્યાન વેચાણ માટે ફટાકડાની ખરીદી કરી લીધી હતી. પરંતુ સુપ્રીમકોર્ટે ફટાકડાના વેચાણ પરનો પ્રતિબંધ દૂર કરવાનો ઈન્કાર કરી દીધો છે.
અમે લોકો ર૦ વર્ષથી અહીં કામ કરીએ છીએ. ઉત્તરપ્રદેશથી નોકરી માટે અહીં આવ્યા હતા. કોર્ટે દિવાળીમાં જ ફટાકડા વેચવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેવામાં જ્યાં હું કામ કરૂં છું તે માલિકના ફટાકડા જ નહીં વેચાય તો અમને પૈસા ક્યાંથી આપશે. જો આવું જ રહ્યું તો અમારે ગામ પરત ફરવું પડશે.
સુપ્રીમકોર્ટે કહ્યું કે ફટાકડાનું વેચાણ ૧ નવેમ્બર ર૦૧૭થી ફરી શરૂ થશે. તેનાથી સુપ્રીમ કોર્ટ જોવા માગે છે કે ફટાકડાના કારણે પ્રદૂષણ પર કેટલી અસર થાય છે.