ભોપાલ, તા. ૧૧
દિલ્હી અને એનસાઆરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા પહેલી નવેમ્બર સુધી ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકાતા મધ્યપ્રદેશના ગૃહમંત્રી ભૂપેન્દ્રસિંહએ મંગળવારે દિવાળીની ઉજવણી કરવા દિલ્હીના લોકોને આમંત્રણ આપ્યું હતું, ગૃહમંત્રીએ પત્રકારોને જણાવ્યું હતું કે, જો દિલ્હીના લોકો અમને ફોન અથવા પત્ર દ્વારા સંપર્ક કરશે તો ભોપાલમાં દિવાળીની મહત્વપૂર્ણ ઉજવણી કરવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. મધ્યપ્રદેશના પર્યાવરણની સિદ્ધિઓ દર્શાવતા સિંહે જણાવ્યું હતું કે, દેશમાં ઇન્દોર સૌથી સ્વચ્છ અને ભોપાલ બીજા નંબરે આવે છે.
આજના સમયમાં પર્યાવરણની વધી રહેલી ચિંતા અને આવા સમયે રાજ્યમાં દિલ્હીવાસીઓને ફટાકડા ફોડવા માટે આમંત્રણ આપવા અંગે પૂછતા તેમણે જણાવ્યંુ હતું કે, મુખ્યમંત્રી શિવરાજસિંહની અધ્યક્ષતામાં રાજ્યમાં પર્યાવરણની સ્થિતિ ઘણી સારી છે ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, અમારૂ રાજ્ય શાંતિનું આઇલેન્ડ છે જ્યાં સુરક્ષા અને સલામતીની સૌથી શ્રેષ્ઠ આશા કરી શકાય છે. એક દિવસ ફટાકડા ફોડવાથી રાજ્યના પર્યાવરણને કોઇ ખાસ અસર નહીં થાય. દિવાળીને ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે જોડાયેલો તહેવાર ગણાવતા તેમણે કહ્યું હતું કે, અમે રામ રાજ્યની વાત કરીએ છીએ અને સપના પણ તેના જ જોઇએ છીએ. ભગવાન રામ ૧૪ વર્ષના વનવાસ બાદ ઘરે પરત ફર્યા તે દિવસની દિવાળી તરીકે ઉજવણી પણ ન કરી શકીએ તો શું કામનું. દિલ્હી અને એનસીઆરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકવા અંગે તેમણે કહ્યું કે, ત્યાં પર્યાવરણની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો છે. દેખીતી રીતે જ વાહનો દ્વારા થતા પ્રદૂષણની સામે પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે દિલ્હી સરકારે કામ કરવું જોઇએ.