(એજન્સી) બદાયું, તા. ૨૬
ઉત્તરપ્રદેશના બદાયું શહેરમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ થતા આઠ લોકોના મોત થયા હતા જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા હતા. બદાયુંના એસએસપી અશોક કુમારે જણાવ્યું હતું કે, સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન હેઠળ આવેલા રસુલપુરની એક લાયસન્સવાળી ફટાકડાની ફેક્ટરીમાં સાંજે ચાર વાગે ભયંકર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ સાથે જ સાત લોકો ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા જ્યારે ગંભીર રીતે ઘવાયેલી એક વ્યક્તિ સારવાર દરમિયાન મોતને ભેટી હતી. જિલ્લાની હોસ્પિટલમાં ત્રણ અન્ય ઘાયલ લોકોને સારવાર માટે લઇ જવાયા હતા. ઘાયલ લોકોની પણ હાલત ગંભીર છે તેમ પોલીસે જણાવ્યું હતું. એસએસપીએ જણાવ્યું હતું કે વિસ્ફોટની તિવ્રતા એટલી ભયાનક હતી કે, ધડાકાને પગલે ફેક્ટરીની બાજૂમાં આવેલી સાઇકલની દુકાન જમીનદોસ્ત થઇ ગઇ હતી જ્યારે માર્ગ પર જઇ રહેલા બે લોકો પણ વિસ્ફોટને કારણે માર્યા ગયા હતા. ઘટનામાં ઘાયલ થયેલા અને પીડિતોને મદદ માટે તંત્રે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરતા ફાયરબ્રિગેડને રવાના કરી હતી તથા બચાવ ટીમ પણ મોકલી હતી. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાની નોંધ લઇ ઇજાગ્રસ્તોને રાહત મળે તે માટે જરૂરી પગલાં લેવા માટે જિલ્લા કલેક્ટરને આદેશ આપ્યા હતા.