ઉત્તરાયણનો પર્વ અનેક માનવી અને પશુ-પક્ષીઓના જીવ લઈ રહ્યું છે અને અસંખ્યને ઈજા પહોંચી રહી છે તેમ છતાં જીવલેણ ચાઈનીઝ દોરી અને તુક્કલનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. કાયદા માત્ર કાગળ પર જ બનતા હોય તેમ કોઈ કાર્યવાહી હાથ ન ધરાતી હોવાથી દર વર્ષે ચાઈનીઝ દોરીનો અસંખ્ય માનવી, પશુ-પક્ષીઓ ભોગ બની રહ્યા છે. આ વર્ષે પણ ઉત્તરાયણ દરમ્યાન જવલ્લેજ દેખાતું બે શિંગડા જેવા કાન ધરાવતું ઈન્ડિયન ઈગલ સાઉલ (ઘુવડ) ચાઈનીઝ દોરીનો ભોગ બનતા હાલ તેની સારવાર ચાલી રહી છે. પરંતુ તેણે એક આંખ અને પગ કાયમ માટે  ગુમાવવા પડયા છે. આથી જીવદયાપ્રેમીઓ દ્વારા ઉત્તરાયણ બાદ રસ્તામાં પડેલા અને ઝાડ પર લટકતી દોરીઓને ભેગી કરી તેની હોળી કરી નાશ કરી રહ્યા છે.