(એજન્સી) ચેન્નાઈ, તા.૧૯
આઈઆઈટી મદ્રાસની વિદ્યાર્થિની ફાતિમા લતીફની સ્યુસાઈડ નોટ સાથે સુસંગત કેસમાં સોમવારે મોડી રાત્રે સ્પેશિયલ તપાસ ટીમે ત્રણ પ્રોફેસરોનો પૂછપરછ હાથ ધરી હતી. આ ત્રણેય પ્રોફેસરોના નામ ફાતિમાની સ્યુસાઈડ નોટમાં સામેલ હતા. ૯મી નવેમ્બરે ફાતિમાનો મૃતદેહ સ્યુસાઈડ નોટ સાથે હોસ્ટેલ રૂમમાં મળી આવ્યો હતો. તપાસકારો એવી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે, હોસ્ટેલમાં એવું તો શું બન્યું હશે કે, વિદ્યાર્થીઓ આત્મહત્યા જેવું પગલું ભરી રહ્યા છે. પોલીસ ફરિયાદ અનુસાર ફાતિમાનો મૃતદેહ હોસ્ટેલની ફર્શ પર મળી આવ્યો હતો. થોડીક જ મિનિટોમાં તેના માતા-પિતાનો તેની મિત્ર પર ફાતિમાની તપાસ કરવા ફોન પણ આવ્યો હતો. સ્પેશિયલ ટીમ શનિવારે ફાતિમાના પિતાને મળી તેમની પૂછપરછ કરી હતી. તપાસ ટીમે સાથે જ હોસ્ટેલ મેટ્‌સ અને સ્ટાફ મેમ્બરોની પૂછપરછ કરી હતી. ફાતિમાના પરિવારે આરોપ લગાવ્યો છે કે, તેમની પુત્રીના મોત માટે ફેકલ્ટી સભ્યો જવાબદાર છે અને સાથે ઉમેર્યુું કે, તેઓ આ કેસમાં કોઈ પગલાં લેવાયા છે કે નહીં તેની શુક્રવાર સુધી રાહ જોશે.

સંસ્થાએ આશ્વાસન આપ્યા બાદ ફાતિમા લતીફની આત્મહત્યા મુદ્દે IIT મદ્રાસના વિદ્યાર્થીઓએ આમરણાંત ઉપવાસ સમેટ્યા

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
આઈઆઈટી મદ્રાસની વિદ્યાર્થિની ફાતિમા લતીફની આત્મહત્યાના કેસમાં અચોક્કસ મુદ્દતના ઉપવાસ પર ઉતરેલા વિદ્યાર્થીઓએ હોસ્ટેલ મેનેજમેન્ટ દ્વારા મુખ્ય માંગો પૂરી કરવાની ખાતરી આપ્યા બાદ ઉપવાસ સમેટ્યા હતા. હ્યુમનીટીસના વિદ્યાર્થી અઝહર મોઈદ્દીને કહ્યું કે, અમે ભૂખ હડતાળ સમેટી છે. વિદ્યાર્થીઓએ કેમ્પસમાં અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાળ શરૂ કરી હતી. તેમણે વિદ્યાર્થિનીના પિતા દ્વારા કરાયેલી માંગ અનુસાર સ્ટાફના સભ્યોની આંતરિક પૂછપરછ કરવાની માંગ કરી હતી. ડીને ખાતરી આપી હતી કે, વિદ્યાર્થીઓની તમામ માંગો વહેલીતકે પૂરી કરવામાં આવશે. ડાયરેકટર સાથે ચર્ચા બાદ અન્ય ફેકલ્ટીની પૂછપરછનો નિર્ણય લેવાશે. ડીને કહ્યું કે, ડાયરેકટર હાલ શહેરમાં નથી અને આ મુદ્દો તેમના હવાલામાં આવે છે. મોઈદ્દીને કહ્યું કે, ડીને તમામ વિદ્યાર્થીઓને મેઈલ દ્વારા જાણ કરી છે અને તેમની માંગોને વહેલીતકે પૂરી કરવામાં આવશે તેવી ખાતરી આપી છે.