(એજન્સી) વોશિંગ્ટન, તા.ર૯
ડેમોક્રેટ સભ્યોની માગ પર સહમત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સુપ્રીમ કોર્ટના જજ પદ માટે નિમણૂક ઉમેદવાર બ્રેટ કાવાનાહની વિરૂદ્ધ જાતિય શોષણની તપાસના આદેશ આપ્યા છે. ટ્રમ્પના આ પગલાંથી સુપ્રીમ કોર્ટના જજ તરીકે કાવાનાહની નિમણૂકને મળેલી સેનેટની મંજૂરી પર પ્રશ્નો ઊભો થઈ શકે છે. એફબીઆઈને એક અઠવાડિયાની અંદર તપાસ પૂરી કરવા માટે કહેવામાં આવ્યું છે. તેનો અર્થ છે કે સુપ્રીમ કોર્ટના જજ પદ પર કાવાનાહ (પ૩)ની નિમણૂકમાં ઓછામાં ઓછો એક અઠવાડિયાનો વિલંબ થશે. ટ્રમ્પે શુક્રવારે જાહેરાત કરી કે, મેં એફબીઆઈને આદેશ આપ્યો છે કે જજ કાવાનાહની ફાઈલ અદ્યતન કરવા માટે એક યોગ્ય તપાસ કરે. સેનેટ દ્વારા કરવામાં આવેલા આગ્રહ મુજબ આ ટૂંકી હોવી જોઈએ અને એક અઠવાડિયાની અંદર પૂરી થવી જોઈએ. વ્હાઈટ હાઉસ દ્વારા જારી એક નિવેદનમાં કાવાનાએ તપાસમાં પૂરો સહયોગ આપવાનું વચન આપ્યું છે. કાવાનાહે જણાવ્યું કે, આ સંપૂર્ણ તપાસ પ્રક્રિયામાં એફબીઆઈએ મારી સાથે પૂછપરછ કરી છે. મેં સેનેટ સામે અનેક વખત પોતાની વાત રજૂ કરી છે. સેનેટરો અને તેમના વકીલોએ મને જે પણ પ્રશ્ન પૂછ્યા, મેં પ્રતિજ્ઞાથી બંધાયેલા રહીને તેમના દરેક પ્રશ્નના જવાબ આપ્યા છે મેં તે બધું કર્યું જેનો આગ્રહ કરવામાં આવ્યો અને હું સહયોગ આપતો રહીશ. ઓછામાં ઓછી ત્રણ મહિલાઓએ કાવાનાહ પર દારૂ પીને જાતિય દુર્વ્યવહાર કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. ગુરૂવારે ક્રિસ્ટીન બલેજી ફોર્ડ (પ૧)એ સેનેટની ન્યાયપાલિકા સમિતિ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું અને કાવાનાહ દ્વારા કરવામાં આવેલી જાતિય સતામણી સાથે જોડાયેલા પ્રશ્નોના જવાબ આપ્યા. સેનેટની સમિતિ સમક્ષ કાવાનાહએ પોતાની ઉપર લગાવવામાં આવેલા આરોપો નકારી દીધા હતા.