ન્યુયોર્ક,તા.૭
આર્જેન્ટીનાના જુઆન માર્ટિન ડેલ પોત્રોએ પાંચ વખતના ચેમ્પિયન રોજર ફેડરરને હરાવી યુ.એસ. ઓપનની સેમીફાઈનલમાં કટ્ટર હરીફ નડાલ સાથે ટકરાવાનું તેનું સ્વપ્ન ચકનાચૂર કરી દીધું. ડેલ પોત્રોએ ફેડરરને ૭-પ, ૩-૬, ૭-૬, ૭-૪થી હરાવ્યો. હવે તેનો સામનો સેમીફાઈનલમાં વિશ્વના નંબર વન ખેલાડી રાફેલ નડાલ સાથે થશે. ત્રીજા ક્રમાંકના ફેડરરના બહાર થવાથી નડાલે પોતાની નંબર વનની રેન્કિંગ સુરક્ષિત રાખી છે. તેણે રશિયાના રૂબલેવને ફક્ત ૯૭ મિનિટમાં ૬-૧, ૬-ર, ૬-રથી હરાવ્યો. નડાલ ર૬મી વખત યુએસ ઓપનની સેમીફાઈનલમાં રમશે જ્યારે ર૪મા ક્રમાંકના ડેલ પોત્રોની આ ચોથી ગ્રાન્ડસ્લેમ સેમીફાઈનલ છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન અને વિમ્બલ્ડન જીતી ચૂકેલા ફેડરરની આ કલ્પનીય હાર છે. તેનો ડેલ પોત્રો વિરુદ્ધ રેકોર્ડ ૧૬-પનો હતો. પોત્રોએ વિજય બાદ કહ્યું કે, મારી સર્વિસ દમદાર હતી. ફોર હેન્ડ ઉપર મેં સારી રમત બતાવી અને હું આ જીતનો હકદાર હતો.