અમદાવાદ,તા.૬
તમામ ચાર ફી રેગ્યુલેટરી કમિટિ (એફઆરસી) દ્વારા ફી માળખાને નક્કી કરવા માટે તેમના અંતિમ દસ્તાવેજો અને દરખાસ્તો રજૂ કરવા તમામ ખાનગી સ્કૂલો માટે ૧૭મી જાન્યુઆરી માટેની મહેતલ રજૂ કરી દીધી છે. અધિકારીઓએ કહ્યું છે કે, દસ્તાવેજોની સાથે ફી નક્કી કરવા માટે અરજી રજૂ કરવામાં જો કોઇ સ્કૂલ નિષ્ફળ રહેશે તો વધુ તક આપવામાં આવશે નહીં. આવી સ્કૂલોને પોતાની રજૂઆત કરવા માટે વધારે કોઇ તક પુરી પડાશે નહીં. આવી સ્કૂલોને એફઆરસી દ્વારા નક્કી કરવામાં આવેલી ફીને જ ત્યારબાદ સ્વીકારી લેવી પડશે. અત્રે નોંધનીય છે કે, ગુજરાત હાઈકોર્ટે હાલમાં જ અતિ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા ફી રેગ્યુલેશન કાયદાની કાયદેસરની માન્યતાને યોગ્ય ઠેરવી હતી. હાઈકોર્ટના ચુકાદા બાદ એસોસિએશન ઓફ પ્રોગ્રેસીવ સ્કૂલે સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો હતો અને રાજ્યના કાયદાને પડકાર ફેંક્યો હતો. બીજી બાજુ રાજ્ય સરકારે આ સંદર્ભમાં કેવિયર દાખલ કરવાનો નિર્ણય કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૭મી ડિસેમ્બરે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો જેથી વાલીઓને રાહત થઇ હતી. ગુજરાત સ્વનિર્ભર શાળા(ફી નિયમન) કાયદા-૨૦૧૭ની બંધારણીય કાયદેસરતાને પડકારતી રાજયભરની સ્વનિર્ભર શાળાઓ તરફથી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી ઢગલાબંધ રિટ અરજીઓ હાઇકોર્ટે એક અતિમહત્વના અને ઐતિહાસિક ચુકાદા મારફતે ધરાર ફગાવી દીધી હતી. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ આર.સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વી.એમ.પંચોલની ખંડપીઠે રાજય સરકારના ગુજરાત સ્વનિર્ભર શાળા(ફી નિયમન) કાયદા-૨૦૧૭ને બહાલ રાખ્યો હતો. ગુજરાત હાઇકોર્ટના આ સીમાચિહ્નરૂપ ચુકાદાને પગલે રાજયભરના વિદ્યાર્થીઓ અને વાલીઓને બહુ મોટી રાહત મળી છે તો, બીજીબાજુ, રાજયના ખાનગી અને સ્વનિર્ભર શાળા સંચાલકો સામે નીતિવિષયક નિર્ણયના મામલે રાજય સરકારની ગુજરાત હાઇકોર્ટમાં જીત થઇ છે.