અમદાવાદ, તા.રપ
રાજ્યની જુદી-જુદી સ્વનિર્ભર શાળાઓની ફી નક્કી કરવા માટે રચાયેલી ફી નિર્ધારણ કમિટીએ ૯૦ દિવસમાં જુદી-જુદી શાળાઓને ફી જાહેર કરવાનું નક્કી કર્યું હતું. સમયમર્યાદા પૂર્ણ થઈ હોવા છતાં શાળાઓની નવી ફીની જાહેરાત કરાઈ નથી. શાળાઓની નવી ફીની જાહેરાત સામે ચૂંટણીનું ગ્રહણ લાગી ગયું છે. પ્રાપ્ત વિગત મુજબ ગુજરાતની જુદી જુદી સ્વનિર્ભર શાળાઓની ફી નક્કી કરવા માટે હાલમાં ફી નિર્ધારણ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીએ અગાઉ ૯૦ દિવસમાં જુદી જુદી શાળાઓની ફી જાહેર કરવાનું નક્કી કર્યું હતું. આ સમયમર્યાદામાં કામગીરી પૂરી ન થતાં ૧ર૦ દિવસ કરાયા હતા. ગઈકાલે એટલે કે તા.ર૪મી સપ્ટેમ્બરે ૧ર૦ દિવસની સમયમર્યાદા પણ પૂરી થઈ ચૂકી છે.
આમ છતાં હજુ સુધી શાળાઓની ફી જાહેર કરવામાં આવી નથી. આગામી તા.૩ ઓક્ટોબરથી શાળાઓમાં પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારબાદ દિવાળીનું વેકેશન આવવાનું છે. દિવાળી પછી ચૂંટણીઓના જાહેરાત થવાની છે. આ સ્થિતિમાં નવી ફી જાહેર કરીને સરકાર વાલીઓ અને સંચાલકો પૈકી કોઈપણ એકને નારાજ કરવાની કામગીરી કરશે કે કેમ તેની અટકળો ઊભી થઈ છે. અમદાવાદ ઝોનમાં આવતી શાળાઓની ૯૦ દિવસમાં નક્કી કરાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. તા.ર૪ ઓગસ્ટના રોજ ૯૦ દિવસ પૂરા થતાં હતા. આ સમયમર્યાદામાં ફી જાહેર કરવાની કામગીરી પૂરી ન થતાં ૯૦ દિવસના બદલે ૧ર૦ દિવસમાં જુદી જુદી શાળાઓની ફી નક્કી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સૂત્રો કહે છે સરકારે કરેલી જાહેરાત પ્રમાણે ૧ર૦ દિવસ પણ ર૪મીએ પુરા થઈ ચૂક્યા છે.
છતાં હજુ સુધી કોઈ ફી નક્કી થઈ નથી. નોંધનીય છે કે અમદાવાદ ઝોનમાંથી દરખાસ્ત કરનારી અંદાજે રપ૦થી વધારે શાળાઓ પૈકી ૬૦ જેટલી શાળાઓની ફી નક્કી કરી દેવામાં આવી છે. પરંતુ બાકીની અંદાજે ૧પ૦થી વધારે શાળાઓ એવી છે કે હજુ સુધી તેની ફી નક્કી થઈ નથી. આ ઉપરાંત કોર્ટમાં ગયેલી અમદાવાદ શહેરની શાળાઓની ફી અંગે પણ હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. શિક્ષણ સાથે સંકળાયેલા સૂત્રો કહે છે હવે આગામી માસમાં શાળાઓમાં પરીક્ષાઓ થઈ રહી છે. જેના કારણે ફી નિર્ધારણ કરવાની કામગીરીમાં વિલંબ થાય તેમ છે. સૂત્રો કહે છે પરીક્ષા પૂરી થયા બાદ દિવાળીનું વેકેશન હોવાથી ફી નિર્ધારિત કરવાની કામગીરી થઈ શકશે નહી. આમ જૂનથી લઈને ઓક્ટોબર સુધીમાં પહેલું સત્ર પૂરું થાય ત્યાં સુધીમાં ફી નક્કી ન થતા વાલીઓએ વધુ પરેશાની ભોગવવી પડે તેમ છે. સૂત્રો કહે છે. દિવાળી પછી ચૂંટણીની જાહેરાત થવાની હોવાથી સરકાર ફી જાહેર કરીને સંચાલકોની નારાજગી વહોરવાની કામગીરી કરે તેવી કોઈ શક્યતા નથી. ઓછી ફી જાહેર થાય તો સંચાલકો નારાજ થાય અને વધારે ફી જાહેર થાય તો વાલીઓ નારાજ થાય તેમ છે. આ સ્થિતિમાં હવે ફી જાહેર કરવી કે કેમ દ્વિધાભરી સ્થિતિ સરકાર માટે ઊભી થઈ છે.