અમદાવાદ, તા.ર૧
આઈએમ (ઈન્ટરનેશનલ માસ્ટર) ટાઈટલ મેળવી અદ્‌ભૂત સિદ્ધિ મેળવનાર ભૂતપૂર્વ નેશનલ ચેસ ચેમ્પિયન ફેનિલ શાહનું આજરોજ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અજય પટેલ (પ્રેસિડન્ટ, ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન) તેમજ શ્રી ભાવેશ પટેલ (સેક્રેટરી, ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન) તેમજ અન્ય હોદ્દેદારોએ ફેનિલ શાહને શુભેચ્છા પાઠવી હતી. ભાવેશ પટેલે જણાવ્યું કે, “અમે જાણીએ છીએ કે ફેનિલ શાહ પાસે આ ટાઈટલ મેળવવા માટેની આવડત, ક્ષમતા અને હોંશિયારી છે. આ એક ગર્વની વાત છે કે એક લાંબા વિરામબાદ માત્ર ૧૦ મહિનાના સમયગાળામાં જ તેણે આ સિદ્ધિ હાંસલ કરી જે એક જવલ્લે જ જોવા મળતી અને ઉત્કૃષ્ટ સિદ્ધિ છે. અમે આશા રાખીએ છીએ કે તે ટૂંક સમયમાં જ “ગ્રાન્ડ માસ્ટર”ની સિદ્ધિ હાંસલ કરે અને આપણા રાજ્ય તેમજ દેશનું નામ રોશન કરે. ફેનિલ ગુજરાત રાજ્યના ઉભરતા ચેસ ખેલાડીઓ માટેનું એક પ્રેરણા સ્ફૂરે તેવું વ્યક્તિત્વ છે.
આ પ્રસંગે વધુમાં ફેનિલે કહ્યું કે, “મારા પરિવારજનોએ જે ભોગ આપેલ છે તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભારી છું અને ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન, ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન તેમજ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતનો પણ ખૂબ આભારી છું કે જેમણે મને આ સિદ્ધિ હાંસલ કરવામાં મદદ કરી”.