માંગરોળ, તા.૩
ચાલુ વર્ષે ઉકાઈના બેઝ વિસ્તારમાં વરસાદ ખૂબ જ ઓછો પડતાં કેનાલની પાણી સંગ્રહ કરવાની જે ક્ષમતા છે તે ક્ષમતા સુધી પણ પાણી ડેમમાં ભરાયું નથી. પરિણામે આનો ભોગ ખેડૂતો બનશે ત્યારે માંગરોળ તાલુકા ખેડૂત સમાજ દ્વારા આ પ્રશ્ને એક આવેદનપત્ર માંગરોળના મામલતદાર જીઆર પ્રજાપતિને પેશ કર્યું છે. રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને તૈયાર કરાયેલ આ આવેદનપત્રમાં જણાવાયું છે કે સિંચાઈ વિભાગ દ્વારા અન્ય તાલુકાઓ અને જીઆઈડીસીમાં પાણી વહેવડાવી, માંગરોળ તાલુકાની સિંચાઈ કેનાલોમાં સિંચાઈ માટે પાણી આપવામાં આવ્યું નથી. આમ સિંચાઈ વિભાગે ટ્રાયબલ વિસ્તારના ખેડૂતો સાથે રાગદ્વેષની નીતિ રાખી ભેદભાવપૂર્ણ રવૈયો અપનાવવામાં આવ્યો હોવાનો સીધો આક્ષેપ કર્યો છે. જેથી ખેડૂતો પોતાના નવા પાકનું વાવેતર કરી શક્યા નથી. હાલમાં પણ ઉકાઈડેમમાં ખેડૂતોને ૧રપ દિવસ પાણી મળી રહે એમ છે છતાં સિંચાઈ વિભાગના જડ વલણને પગલે રવિ તથા ખરીફ સિઝનમાં માત્ર એંસી દિવસનું જ રોટેશન નક્કી કરી ખેડૂતો સાથે અન્યાય કરેલ છે. ડેમના પાણી ઉપર જનતાને પીવાનું પાણી આપ્યા બાદ વધુને વધુ પાણી ખેડૂતોને મળે, એ દિશામાં નક્કર પગલાં લેવાય તો જ ખેડૂતોના ઊભા તથા નવા વાવેતર કરેલા પાકો બચાવી શકાય, હાલમાં જે પાણીનું રોટેશન તા.૧ર-૧૦-૧૮થી શરૂ થનાર છે, નવરાત્રી અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી આ રોટેશન તા.૬-૧૦-૧૮થી શરૂ કરવામાં આવે અને રિપેરીંગ કામ માટે તા.ર૪-૧ર-૧૮થી ૬૬ દિવસ જાહેર બંધ રહેનાર હોય, એ ગાળો ટૂંકાવીને ૪પ દિવસનો કરવામાં આવે એવી માગ આવેદનપત્રમાં કરવામાં આવી છે. આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.