લિયોન, તા.૮
અમેરિકાની મહિલાઓએ ફૂટબોલ વિશ્વમાં વર્ષોનો પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. અમેરિકાની ટીમે રવિવારે (૭ જુલાઈ)ના રોજ શાનદાર પ્રદર્શન સાથે ફીફા વિમેન્સ વર્લ્ડ કપ જીતી લીધો હતો. તેણે સતત બીજી વખત અને કુલ ચોથી વખત આ કપ પર કબજો જમાવ્યો છે. આ અગાઉ અમેરિકાની મહિલા ટીમે ૧૯૯૧, ૧૯૯૯ અને ૨૦૧૫માં ફીફા વર્લ્ડ કપ જીત્યો હતો. સ્વીડને ઈંગ્લેન્ડને હરાવીને મહિલા ફૂટબોલ વર્લ્ડ કપમાં ત્રીજું સ્થાન હાંસલ કર્યું છે. અમેરિકાની ટીમે ફાઈનલમાં યુરોપિયન ચેમ્પિયન નેધરલેન્ડ્‌સની ટીમને ૨-૦થી હરાવી હતી. ફાઈનલ મેચમાં અમેરિકા માટે દિગ્ગજ મેગન રેપિનો અને રોજ લાવેલે ગોલ કર્યા હતા. રેપિનોએ પેનલ્ટી પરથી ગોલ કર્યો હતો. લોવેલે ફીલ્ડ ગોલ કર્યો હતો. રેપિનોને ગોલ્ડ બૂટનો એવોર્ડ એનાયત કરાયો હતો. તેણે ટૂર્નામેન્ટમાં કુલ ૬ ગોલ કર્યા હતા. એલેક્સ મોર્ગને પણ આ સ્પર્ધામાં ૬ ગોલ કર્યા હતા, પરંતુ વધુ સમય લેવાને કારણે તેને ગોલ્ડન બૂટનો એવોર્ડ મળ્યો નહીં.
મેચના પ્રથમ હાફમાં બંને ટીમ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. નેધરલેન્ડ્‌સે એક યોજના અંતર બોલને પોતાના કબજામાં રાખ્યો હતો અને અમેરિકાને તક આપી નહીં. અમેરિકાએ અનેક વખત એટેક કર્યા પરંતુ સફળતા મળી નહીં. બીજો હાફ સંપૂર્ણપણે અમેરિકાના નામે રહ્યો. નેધરલેન્ડ્‌સની ટીમને બીજા હાફની શરૂઆતથી જ દબાણમાં લાવીને મૂકી દીધી હતી. અમેરિકાએ ૬૧મી મિનિટમાં મળેલી પેનલ્ટીમાં ગોલ કરીને ૧-૦થી લીડ મેળવી લીધી હતી. તેની ૮ મિનિટ પછી અમેરિકાએ ફરી એટેક કર્યો. આ વખતે બાર લાવેલે બોક્સ પાસે જગ્યા શોધીને ગોલ કરી નાખ્યો હતો.
સ્વીડને ઈંગ્લેન્ડને ૨-૧થી હરાવીને મહિલા ફૂટબોલ વિશ્વ કપમાં ત્રીજું સ્થાન હાંસલ કર્યું છે. તેણે આ ત્રીજી વખત ત્રીજું સ્થાન હાંસલ કર્યું છે. ઈંગ્લેન્ડની ટીમ છેલ્લા વર્લ્ડ કપમાં ત્રીજા સ્થાને રહી હતી.