માન્ચેસ્ટર,તા.૮
આઈસીસી વર્લ્ડકપ-૨૦૧૯ની પહેલી સેમીફાઇનલમાં મંગળવારે ભારતનો સામનો ન્યૂઝીલેન્ડ સામે મેન્ચેસ્ટરમાં થશે. બીજી સેમીફાઇનલમાં ૧૧ જુલાઇએ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે બર્મિઘમમાં મેચ રમાશે.
ભારતીય ટીમ સામે ન્યૂઝીલેન્ડનો પડકાર રહેશે, જેની સામે ભારતીય ટીમ આ વર્લ્ડકપમાં નથી રમી. બંને વચ્ચે એક મેચ હતી જે વરસાદના કારણે ધોવાઇ ગઈ હતી. વર્લ્ડકપના ઇતિહાસમાં ભારતની આ સાતમી સેમીફાઇનલ રહેશે. અત્યારસુધીમાં ભારત ત્રણ વાર હાર્યું છે જ્યારે ત્રણ વાર જીત્યું છે. ટીમ ઇન્ડિયા ૧૯૮૩ અને ૨૦૧૧માં ચેમ્પિયન બની. ૨૦૦૩માં તે ફાઇનલમાં હારી ગઈ હતી. બીજી તરફ ન્યૂઝીલેન્ડની આ ૮મી સેમીફાઇનલ હશે. તે અત્યારસુધી માત્ર એકજ વાર જીતી છે. ગત વર્લ્ડકપમાં ફાઇનલ સુધી પહોંચી, પરંતુ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ તેને હરાવી દીધું.
રોહિત શર્માની ૫ શાનદાર સદી અને વિરાટ કોહલીની ૫ અર્ધસદીથી વિપક્ષી ટીમો સામે ભારતનું પલડું ભારે રહ્યું છે. રોહિત શાર્મા આ વર્લ્ડકપમાં ૮ મેચોમાંથી ૫માં સદી ફટકારનાર દુનિયાનો એકમાત્ર બેટ્‌સમેન બની ગયો છે. તો જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમારની ત્રિપુટીએ પણ ટીમ ઇન્ડિયાને વર્લ્ડકપની સેમીફાઇનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા અદા કરી છે. ચહલ અને કુલદીપની ફિરકી પણ જબરજસ્ત રહી. આ જોતાં ટીમ ઇન્ડિયા વર્લ્ડકપ માટે ફરી એકવાર પ્રબળ દાવેદાર ગણાઇ રહી છે.
જોકે, વર્લ્ડકપમાં ઓવરઓલ રેકોર્ડની વાત કરવામાં આવે તો, ન્યૂઝીલેન્ડનું પલડું ભારે છે. વર્લ્ડકપની વાત કરવામાં આવે તો, બંને ટીમો વચ્ચે સાત વાર મેચ રમાઇ ચૂકી છે, જેમાં ચાર વાર ન્યૂઝીલેન્ડ જીત્યું છે જ્યારે ત્રણ મેચ ભારત જીત્યું છે.
સેમિફાઇનલ મેચ પહેલા વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ ભારતીય ફેન્સે ગભરાવવાની જરૂર નથી. જો મેચ વરસાદને કારણે રદ્દ થઇ તો તેનો ફાયદો ભારતીય ટીમને જ મળવાનો છે. આમ તો જો ૯ તારીખે મેચ વરસાદને કારણે ન થઇ શકી તો તેના માટે એક દિવસ રિઝર્વ રાખ્યો છે અને મેચ ૧૦ જુલાઈના રોજ થશે, પરંતુ જો તે દિવસે પણ વરસાદને કારણે મેચ રદ્દ કરવી પડી તો શું થશે, તેને લઇને ચિંતા છે.
૧૯૯૨ના વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડે ભારતને ૪ વિકેટે હરાવ્યું. ૧૯૯૯ના વર્લ્ડકપમાં નૉટિંઘમમાં ન્યૂઝિલેન્ડે ભારતને ફરી ૫ વિકેટે હરાવ્યું હતું. ૨૦૦૩ના વર્લ્ડકપમાં ભારતે બાજી મારી અને કીવી ટીમને સેંચુરિયનમાં ૭ વિકેટે હરાવી.
એટલે હવે જ્યારે કોહલી એન્ડ કંપની જ્યારે મેનચેસ્ટરમાં ઉતરશે ત્યારે લક્ષ્યક માત્ર જીતીને ફાઇનલમાં પ્રવેશવાનો જ રહેશે. ક્રિકેટમાં દરેક દિવસ નવો જ હોય છે અને ટીમ ઇન્ડિયા પણ વર્લ્ડકપના આ આંકડા ભૂલીને મેદાનમાં ઉતરશે.

વર્લ્ડકપ ર૦૧૯ : આશા છે કે રોહિત શર્મા વધુ બે સદી ફટકારે : વિરાટ કોહલી

માન્ચેસ્ટર, તા.૮
ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ મંગળવારે રમાનારી વિશ્વ કપ સેમિફાઇનલ પહેલા ટીમ ઈન્ડિયાને કેપ્ટન વિરાટ કોહલીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કોહલીએ કહ્યું કે, ટીમ ઈન્ડિયા આત્મવિશ્વાસથી ભરેલી છે. સેમિફાઇનલ મુકાબલા પર વિરાટે કહ્યું કે, દબાવના સમયે ટીમ ઈન્ડિયા હંમેશા આશા પર ખરી ઉતરી છે. તેણે કહ્યું કે, તેની ટીમ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ જીતની રણનીતિની સાથે ઉતરશે.
ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી ૫ સદી ફટકારી ચૂકેલા રોહિત શર્માની પ્રશંસા કરતા કોહલીએ કહ્યું કે, મારા હિસાબથી તે વિશ્વનો નંબર વન બેટ્‌સમેન છે, મને આશા છે કે તે આગામી મેચમાં સારૂ પ્રદર્શન કરશે. આશા છે કે, રોહીત આગામી બે મેચોમાં સદી ફટકારે જેથી અમે વધુ બે મેચ જીતી શકીએ. ટીમ ઈન્ડિયાની બોલિંગના વખાણ કરતા કોહલીએ કહ્યું કે, અત્યારે ભારતની બોલિંગ વિશ્વમાં શાનદાર છે. તેણે કહ્યું કે, મને આશા છે કે આ નોકઆઉટ ગેમમાં અમે સારૂ પ્રદર્શન કરીશું.
કોહલીએ મેચની પૂર્વસંધ્યા પર પત્રકાર પરિષદમાં કહ્યું, ‘અમારી બોલિંગ શાનદાર છે. લો સ્કોરિંગ ગેમમાં પણ અમે સારી બોલિંગ કરી છે. પરંતુ ન્યૂઝીલેન્ડની બોલિંગ પણ સારૂ છે. સેન્ટરન સારૂ કામ કરી રહ્યો છે. આ ખાસ દિવસે સારી રમતનું પ્રદર્શન કરવું પડશે. સારી બોલિંગની સામે જે સારૂ રમશે તે જીતશે.’તેણે કહ્યું કે, એમએસ ધોનીએ જે ભારતીય ટીમ માટે યોગદાન આપ્યું છે, તે શાનદાર છે. તેણે કહ્યું, મેં તેના અન્ડરમાં કરિયર શરૂ કર્યું. ધોની માટે મારી આખોમાં ઘણી ઇજ્જત છે.