કોલકત્તા, તા. ૨૪
ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧ની બીજી ક્વાલિફાયર મેચમાં હવે આવતીકાલે કોલકત્તા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે રોમાંચક જંગ ખેલાશે. એલિમિનેટર મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સે રાજસ્થાન રોયલ્સ પર ૨૫ રને જીત મેળવીને બીજી ક્વાલિફાયરમાં એન્ટ્રી કરી લીધી છે. રાજસ્થાન રોયલ્સના પડકારનો આની સાથે જ અંત આવ્યો હતો. આ મેચમાં રાજસ્થાનની ટીમે કોઇ લડાયક દેખાવ કર્યો ન હતો. વિકેટો હાથમાં હોવા છતાં કોલકત્તા સામે જીત મેળવવા માટે પ્રયાસ કર્યા ન હતા. બીજી બાજુ દિનેશ કાર્તિકના નેતૃત્વમાં ટીમના ખેલાડીઓનો જુસ્સો હવે આસમાન પર છે. જેથી સનરાઇઝ સામે પણ પડકાર ઉભા કરી શકે છે. છેલ્લી મેચમાં ૧૯મી મેના દિવસે કોલક્તા નાઇટ રાઇડર્સે સનરાઇઝ પર પાંચ વિકેટે જીત મેળવી હતી. જેથી આવતીકાલની મેચમાં સનરાઇઝ સામે કોલકત્તા વધારે મજબુત જુસ્સા સાથે મેદાનમાં ઉતરશે. બીજી બાજુ ચેન્નાઇ સામે પ્રથમ ક્વાલિફાયર-૧ મેચમાં કેટલીક ભુલો કર્યા બાદ સનરાઇઝ આ ભુલોને સુધારીને જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે. કેપ્ટન વિલિયમસન ચેન્નાઇ સામે ફ્લોપ રહ્યા બાદ આવતીકાલે ફરી એકવાર લાંબી ઇનિગ્સ રમે તેવી શક્યતા છે. બન્ને ટીમોમાં અનેક મજબુત ખેલાડી હોવાથી મેચ રોમાંચક રહેશે. જો કે સનરાઇઝ વધારે ફેવરીટ દેખાઇ રહી છે.