અમદાવાદ, તા.રપ
બળાત્કારના કેસમાં સંડોવાયેલા આસારામ બાપુને બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ફટકારાઈ છે ત્યારે આસારામને આજીવન કેદના ચુકાદાને ચોતરફથી લોકો ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યા છે તેમજ પીડિતોને ન્યાય મળ્યો હોવાનો લોકો સંતોષ માની રહ્યા છે ત્યારે આસારામે કોર્ટના ચુકાદા પહેલાં અગાઉ પાવર ઓફ પાટીદાર ફિલ્મના ડાયરેક્ટર અને પ્રોડ્યુસરને જેલમાં બોલાવી આસારામ અને નારાયણ સાંઈના જીવનચરિત્ર પર ફિલ્મ બતાવી કોર્ટનું જજમેન્ટ તેમના તરફી આવે તેવી વાત કરી હોવાનો દાવો ફિલ્મ પ્રોડ્યુસર દીપક સોનીએ કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ સુરતના ફિલ્મ પ્રોડ્યુસર દીપક સોની પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલના જીવનચરિત્ર ઉપર ફિલ્મ બતાવી પરંતુ કેટલીક ગૂંચવણોને લીધે આ ફિલ્મ અટકી ગઈ છે ત્યારે દીપક સોનીને આસારામે તેમના જીવન પર ફિલ્મ બનાવવાની ઓફર કરી હોવાનો દાવો દીપક સોનીએ કર્યો છે. દીપક સોનીએ દાવો કરતાં જણાવ્યું હતું કે, હાર્દિક પટેલના વકીલ મારફતે મને અને ડાયરેક્ટર મહેશ પટેલને સુરત સબજેલમાં મીટિંગ કરવા માટે બોલાવ્યા હતા. જેમાં અમને નારાયણ સાંઈ અને આસારામ બાપુના જીવનચરિત્ર પર ફિલ્મ બનાવવા માટે જણાવ્યું હતું. પરંતુ સમાજમાં એ લોકોની સારી છાપ પડે અને કોર્ટનું જજમેન્ટ તેમના તરફી આવે એવું ફિલ્મમાં દર્શાવવા માટે મીટિંગમાં પ્રોડ્યુસર અને ડિરેક્ટરને રૂા.બે કરોડની ઓફર કરી હતી. પરંતુ તેમણે આ ઓફર ઠુકરાવી દીધી હતી. તેવો દાવો દીપક સોનીએ કર્યો છે.