પાલનપુર,તા.૧૯
પાલનપુર સિવિલમાં વિવિધ માંગોને લઇ હડતાળ પર ઉતરેલા હડતાળિયા સ્વિમરોએ ફિનાઇલ પી લેતા ચકચાર મચી ગઇ હતી. ઘટનાને લઇ અન્ય ચાર સ્વીપરની પણ તબિયત લથડી જતાં કુલ લોકોને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં જ સારવાર અર્થે ખસેડાયા હતા. ઘટનાને લઇ વર્ષોથી ફરજ બજાવતા સેવકોએ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ છાજીયા લઇ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ નોંધાવી હતી.
પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પગાર વધારા સહિત જૂના કર્મચારીઓને નિકાળી દેવાની કોન્ટ્રાકટરની પ્રથા બંધ કરવાની માંગ સાથે હડતાલ પર ઉતરેલા હડતાળિયા એ શુક્રવારે હડતાળના ત્રીજા દિવસે સવારના સમયે જ હડતાળ સ્થળ પર ફિનાઇલ ગટગટાવી લીધું હતું. જેને લઇ સમગ્ર સિવિલ હોસ્પિટલમાં અફડા તફડી મચી જવા પામી હતી. જ્યારે ફિનાઇલ ઘટ ઘટાડેલા સ્વીપરને જોઈ અન્ય સ્વીપરની પણ હાલત લથડી જતાં સ્વીપરને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તે બાદ વર્ષોથી ફરજ બજાવતા સેવકોએ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ટ્રોમા સેન્ટરની બહાર જ છાજિયા લઇ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઘટનાને લઇ હોસ્પિટલમાં ફરજ બજાવતા લક્ષ્મીબેન રમેશભાઇ ગોકળભાઇ સોલંકીએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે પહોંચી જાતિ અપમાનિત શબ્દો બોલી પગાર વધારી નહીં અને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપનારા કોન્ટ્રાકટર નિલેશ પટેલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.