(એજન્સી) નવી દિલ્હી, તા.ર૧
એનડીટીવીના સ્થાપક પ્રણય રોય અને એમની પત્ની રાધિકા રોયને થોડા દિવસ પહેલાં વિદેશ જતાં અટકાવવામાં આવ્યા હતા. એ પછી એમની મુશ્કેલીઓમાં વધારો થયો છે. સીબીઆઈએ એમની સાથે એનડીટીવીના પૂર્વ સીઈઓ વિક્રમ ચંદ્રા સામે નવો કેસ દાખલ કર્યો છે. એ ઉપરાંત નોંધાયેલ કેસમાં આવકવેરા અધિકારીઓના નામો પણ છે. એમની ઉપર ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ કેસ નોંધ્યો છે. સીબીઆઈ દ્વારા દાખલ થયેલ એફઆઈઆર મુજબ એનડીટીવીએ ટેક્ષ હેવન તરીકે જાણીતા દેશો જેમાં મોરિશસ, મલેશિયા, દુબઈ, હોલેન્ડ અને બીજા દેશો છે ત્યાં ૩ર પેટા કંપનીઓ શરૂ કરી હતી. આ નવી કંપનીઓએ આજ સુધી કોઈ પણ ધંધો કર્યો નથી એમનો ઉદ્દેશ્ય માત્ર ગેરકાયદેસર નાણાંની હેરફેર કરવાનો હતો. સીબીઆઈએ જણાવ્યું છે કે, એમની કંપનીઓમાં બનાવટી નાણાકીય વહેવારો કરાયા હતા. વણઓળખાયેલ જાહેર સેવકોએ આ કંપનીઓમાં નાણાં રોકયા હતા અને પછીથી ગૂંચવાયેલ નાણાંકીય વહેવારો દ્વારા ભારતમાં નાણાં પાછા મોકલાયા હતા. સીબીઆઈએ આક્ષેપો મૂકયા છે કે પ્રણય રોય, રાધિકા રોય, વિક્રમ ચંદ્રા અન્ય જાહેર સેવકો સાથે ગુનાહિત ષડયંત્રમાં જોડાયા હતા જેમનો ઉદ્દેશ્ય કાળા નાણાંને ધોળા તરીકે દર્શાવી પાછા ભારત લાવવાનો હતો. સીબીઆઈની એફઆઈઆર સામે પોતાની પ્રતિક્રિયા આપતા એનડીટીવીએ નિવેદન આપી જણાવ્યું છે કે, સરકાર મીડિયાની સ્વતંત્રતા છીનવી રહી છે. સરકાર મીડિયાને ચેતવણી આપી રહી છે કે, એ સરકાર સાથે સમાધાન કરી વર્તન કરે અન્યથા કાર્યવાહીનો સામનો કરે.
CBIએ NDTVના સ્થાપક પ્રણય રોય, પત્ની રાધિકા રોય અને પૂર્વ CEO વિક્રમ ચંદ્રા સામે ગુનાહિત ષડયંત્ર અને ઠગાઈના આક્ષેપો ધરાવતી FIR દાખલ કરી

Recent Comments