ભરૂચ, તા.૬
જન શિક્ષણ સંસ્થાન, ભરૂચ દ્વારા તા.૫/૬/૧૮ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનો કાર્યક્રમ અત્રેની સંસ્થામાં નિયામક ઝયનુલ સૈયદ, કાર્યક્રમ અધિકારી આઈ.આઈ. પટેલ, ઈગ્નુઉના આસિ. કો-ઓર્ડિનેટર દીપક પારેખ તથા સંસ્થાનના અધ્યક્ષા શ્રીમતી ફિરદોશબેન મન્સુર વિગેરેની ઉપસ્થિતિમાં સંપન્ન થયો. અધ્યક્ષ સ્થાનેથી સંબોધતા શ્રીમતી ફિરદોશબેન મન્સુરે જણાવ્યું કે, સમગ્ર દુનિયામાં પ્રદૂષણનો પ્રકોપ ઉત્તરોત્તર વધી રહેલ છે. આધુનિક ટેકનોલોજીના જમાનામાં વિજ્ઞાનની પ્રગતિની સાથે માનવ વિનાશ નોતરતુું પ્રદૂષણ પણ એટલી જ ઝડપથી ફેલાઈ રહેલ છે. આ પ્રદૂષણને નાથવા આજે જ જો તેના ઉપર કાબૂ મેળવવામાં નહીં આવે તો આ પ્રદૂષણનો વિકરાળ પંજો સમગ્ર સૃષ્ટિનો વિનાશ નોતરશે અને આ વિકટ સમસ્યામાંથી બહાર નીકળવા કોઈ વિકલ્પ બાકી રહેશે નહીં અને માનવ જીવન માટે વિકટ પરિસ્થિતિ ઊભી થશે અને તેમાંથી નીકળવા કોઈ કાર્યશૈલી કામ લાગશે નહીં. તેઓએ આગળ બોલતા જણાવ્યું કે, હવે સમય આવી ગયો છે કે, મનુષ્ય જાગૃત થાય અને દરેક મનુષ્ય પ્રતિજ્ઞા કરે કે, તેઓએ પ્રદૂષણ કરશે નહીં અને પ્રદૂષણ થવા દેશે નહીં. સંસ્થાના નિયામક, ઝયનુલ સૈયદે જણાવ્યું કે, સમગ્ર વિશ્વ, પર્યાવરણ બાબતે ભારે ચિંતિત છે. આવનાર સમય માટે આ બાબતે જો સજાગતા નહીં કેળવવામાં આવે તો આવનાર પેઢીને માટે આ વિશ્વમાં શ્વાસ લેવાનું પણ વિકટ થઈ જશે. પર્યાવરણ સમતુલા જાળવવા દરેક ક્ષેત્રે ક્રાંતિ લાવવી પડશે. વન્ય સૃષ્ટિને આબાદ કરવી પડશે. પાણીનું જતન કરવુું પડશે અને ધ્વની પ્રદૂષણ ઉપર પણ કાબૂ મેળવવું પડશે. કચરાનો યોગ્ય નિકાલ કરવાનો રહેશે. પ્લાસ્ટિકનો ઉપયોગ સદંંતર બંધ કરવો પડશે. આટલી કાળજી રાખીશું તો જ આ પૃથ્વિ પર આપણે ટકી શકીશું. ઝયનુલ સૈયદે શાળા-કોલેજના વિદ્યાર્થી ભાઈ-બહેનો તથા જે એસએસના લાભાર્થી ભાઈ-બહેનોને આહ્‌વાન કરતા કહ્યું કે, આપણી સજાગતાને ઉજાગર કરી રાષ્ટ્રના હિતમાં બનતા તમામ પ્રયત્નો આ ક્ષેત્રે કરવા જેથી માનવજીવનનું સાચું કલું જતન થઈ શકે અને પર્યાવરણનો વિનાશ રોકી શકાશે. આસિ. કો-ઓર્ડિનેટર ડૉ.દીપક પારેખે તમામ યુવાઓને સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ ઘરથી લઈ ગામ, શહેર, નગર માટે તમામ નાનામાં નાની બાબત સ્વચ્છતા પ્રત્યેની હોઈ તેના ઉપર ધ્યાન આપી સ્વચ્છ ભારત સમૃદ્ધ ભારતને સાર્થક કરવું પડશે એમ જણાવ્યું સ્વચ્છતાએ પર્યાવરણનું દુષણ છે. સ્વચ્છતામાં જ ઈશ્વરનો વાસ છે. આજના દિને આપણા પર્યાવરણ પ્રત્યે હંમેશા સજાગ રહી હકારાત્મક અભિગમ કેળવી સુખ અને શાંતિથી જીવન વ્યતિત કરીએ એજ અભ્યર્થના સાથે તેમનું વક્તવ્ય પૂર્ણ કર્યું. અંતે કાર્યક્રમ અધિકારી આઈ.આઈ. પટેલે તમામ આગંતુકોનો આભાર માની સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ સ્વચ્છ ભારત સમૃદ્ધ ભારતને સફળ બનાવવા વિનંતી કરી કાર્યક્રમને પૂર્ણ થયેલ જાહેર કર્યું.