(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૩
ખટોદરા વિસ્તારના જોગાણી માતાના મંદિર પાસેની એક ડ્રેનેજ લાઈનમાં યુવાન ફસાઈ ગયો હોવાની વાતને લઈને લોકો ભેગા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઇ ભારે જહેમત બાદ ડ્રેનેજલાઈનની પાઈપમાં ફસાયેલા યુવાનને રેસ્ક્યુ કરી બહાર કાઢી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
ખટોદરાના જોગાણી માતાના મંદિર પાસે ડ્રેનેજ લાઇનની નાની પાઈપમાં અસ્થિર મગજનો ઘૂસી ગયો હતો. પાલિકાનો સફાઈ કામદાર હોવાનું સમજીને લોકોએ ડ્રેનેજનું ઢાંકણ ખોલતા યુવાન ફસાયેલો હોવાનું જણાયું હતું. જેને લઈને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી યુવાનને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે, ડ્રેનેજ લાઈનમાં ફસાયેલો યુવાન અસ્થિર મગજનો હોય જેથી તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. યુવાનનું નામ અક્કા ચૌહાણ હોવાનું જાણવા મળ્યું છે. અંદાજે એક કલાકની ભારે જહેમત બાદ યુવકને બહાર કઢાયો હતો. જેને ૧૦૮ મારફતે નવી સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.