(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૦
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉંચા મૂલ્યની ચલણી નોટો રદ કરીને કાળું નાણું ડામવાના પ્રયાસોના ઇચ્છિત પરિણામો આવ્યા નથી. ૨૦૧૬ની ૮મી નવેમ્બરે ચલણમાંથી રદ કરવામાં આવેલા ૧૫.૪૪ લાખ કરોડ (૧૫.૪ ટ્રિલિયન) રૂપિયામાંથી ૫ાંચ લાખ કરોડ(પાંચ ટ્રિલિયન) રૂપિયા ટેક્સથી બચવા માટે ગેરકાનૂુની રીતે જમા કરાવવામાં આવ્યા હોવાથી બેંકોમાં પરત નહીં આવવાનો સરકારનો અંદાજ હતો. જોકે, બુધવારે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ) દ્વારા જારી કરવામાં આવેલો વાર્ષિક રિપોર્ટ દર્શાવે છે કે ૧૫.૩ ટ્રિલિયન રૂપિયા કે રદ કરાયેલી ૯૯.૩ ટકા નોટો બેંકોમાં પરત જમા થઇ ગઇ છે. આ બાબત સૂચવે છે કે ભાગ્યે જ કોઇ બિનહિસાબી સંપત્તિ રોકડમાં હશે. રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાના દરની નોટો રદ કરાયા બાદ રિઝર્વ બેંકને અત્યાર સુધી ૧૦૭ અબજ રૂપિયા પરત મળ્યા નથી. સરકારે ઉંચા દરની નોટો રદ કરી હોવા છતાં કોઇ કાળું નાણું પકડાયું નથી, તેથી હવે એવા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે કે રદ કરાયેલી લગભગ બધી નોટો પરત આવી ગઇ હોવાથી કાળું નાણું ક્યાં છે ?
નવી દિલ્હીમાં સેન્ટર ફોર પોલિસી ઓલ્ટરનેટિવ્સના ચેરમેન અને નાણા મંત્રાલયના ભૂતપૂર્વ સલાહકાર મોહન ગુરૂસ્વામીએ જણાવ્યું કે નોટબંધી સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે. તેમણે એવું પણ કહ્યું કે જો નોટબંધી અમલી ના બનાવવામાં આવી હોત તો આપણે ઉંચો વૃદ્ધિ દર હાંસલ કરી શક્યા હોત. નોટબંધી એક ભયંકર મુર્ખામી હતી અને તેના રાજકીય પરિણામો આવશે. જ્યારે બીજીબાજુ, નાણા મંત્રાલયમાં આર્થિક બાબતોના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે જણાવ્યું કે નોટબંધીની ક્વાયતે નોંધપાત્ર રીતે તેના હેતુઓ સિદ્ધ કર્યા છે. નવી નોટોમાં સુરક્ષાના વધુ ફિચર છે અને તેના કારણે બનાવટી નોટો દૂર કરવામાં સહાય મળી છે.