પાલનપુર, તા.૪
પાલનપુર-ડીસા હાઇવે ઉપર ન્યુ રામઝૂંપડી હોટલમાં ગત સાંજના સુમારે થયેલી ફાયરિંગની ઘટનામાં બ્લેક મેઇલીંગનો ખેલ ખેલાયો હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જ્યાં પાલનપુરની યુવતીને મળ્યા બાદ ભૂજના ગૃહસ્થને બ્લેકમેઇલ કરવામાં આવ્યા હતા. જેઓ પાલનપુરના મિત્રોની મદદ લઇ રામ ઝૂંપડીમાં ચર્ચા કરવા માટે આવ્યા હતા. ત્યારે ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. જેમાં વકીલ સાથે આવેલા યુવકની હત્યા કરવામાં આવી હતી અને તેના મૃતદેહ ઉપરથી ગાડી પણ ફેરવવામાં આવી હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ પાલનપુર રોયલ મેઘામાં રહેતી સંગીતાબેન જોષીએ ગત ૧૮-૫-૧૮ના રોજ ભૂજ ખાતે રહેતા નરસિંહભાઇ આત્મારામ અગ્રવાલને ફોન કરી તેણીના પિતાએ ભૂતકાળમાં નોકરી કરી હતી. જેમની તબિયત સારી ન હોવાથી મળવા માટે બોલાવે છે તેવું કહેતા નરસિંહભાઇ તા. ૧-૦૬-૨૦૧૮ના રોજ ગાંધીધામથી પોતાની ગાડી લઇને પાલનપુર- અમદાવાદ હાઇવે લક્ષ્મીપુરાના પાટીયા નજીક આવેલા સંગીતાબેન જોષીના ઘરે ગયા હતા. જો કે, તે વખતે તેણીના પિતા હાજર ન હતા. દરમિયાન જમતી વખતે સંગીતા જોષીએ અડપલા કરતાં ભયભીત બની નરસિંહભાઇ ત્યાંથી નીકળી ગયા હતા.
જે બાદ બીજા દિવસે વિજયભાઇ હરગોવિંદભાઇ શિરવાડીયાએ તેમના ઉપર ફોન કર્યો હતો. અને ગઇકાલે તમે પાલનપુર જે છોકરીના ઘરે ગયા હતા. તેણે ઝેર પી લીધુ છે. આ કેસમાં ન આવવું હોય તો રૂપિયા ૩૫,૦૦,૦૦૦ની માંગણી કરી અવાર-નવાર ધમકી આપતો હતો. છેવટે ઇજ્જતના ડરે રૂપિયા ૮,૦૦,૦૦૦ લાખ ચૂકવવાનું નક્કી કર્યુ હતુ. જે બાદ દિયોદરના તેમના મિત્ર મયુરભાઇ ઠક્કરનો સંપર્ક કરી પાલનપુરના જયેશભાઇ ઠક્કર અને વકીલ દિપેશ ઘનશ્યામભાઇ વૈષ્ણવને પાલનપુરની ન્યુ રામઝૂંપડી ખાતે મળવા બોલાવ્યા હતા. જ્યાં રવિવારે સાંજે વાતચિત કરી બધા નીકળી ગયા હતા. જે દરમિયાન વકીલ દિપેશભાઇને રસ્તામાં માલણ ગામના લશકરભાઇ અનવરભાઇ મીર મળ્યા હતા. જો કે, જયેશભાઇ ઠક્કરનો ફોન આવ્યો હતો કે, વિજયભાઇ ન્યુ રામઝૂંપડી હોટલે મળવા આવે છે. તમે આવો આથી વકીલ અને લશકરભાઇ મીર હોટલે પહોચ્યા હતા. જેઓ ગાડીમાંથી નીચે ઉતરીને ઉભા હતા. તે વખતે વિજય શિરવાડીયાના કહેવાથી વિશાલ નામના શખ્સે રિવોલ્વરથી ફાયરિંગ કર્યુ હતુ. જેમાં એક ગોળી વકીલ દિપેશભાઇના માથા ઉપરથી નીકળી ગઇ હતી. જ્યારે બીજી ગોળી લશકરભાઇના ગળાના ભાગે વાગી હતી. તેમજ વધુ એક ફાયરિંગ કરી બંને શખ્સો ગાડી નં. જીજે. ૨૪.કે ૮૩૦૦ રિવર્સ લઇ લશકરભાઇ ઉપર ફેરવી ફરાર થઇ ગયા હતા.
બ્લેકમેઇલીંગ રેકેટ???
પાલનપુરની સંગીતા જોષી, વિજય શિરવાડીયા આણી ગેંગ દ્વારા પાલનપુર સહિત અન્ય શહેરોના પ્રતિષ્ઠિત વ્યકિતોને પણ આ રીતે બ્લેકમેઇલ કરી નાણાં પડાવવામાં આવ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. સુમાહિતગાર સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સંગીતા જોષીના મકાનમાંથી એક ડાયરી મળી છે. તેમાં પાલનપુરના કેટલાક ખ્યાતનામ વ્યકિતઓનો પણ સમાવેશ થાય છે. જો કે, ઇજ્જત ખાતર આ લોકોએ સમગ્ર પ્રકરણ ઉપર પડદો પાડી રહ્યા હોવાનું કહેવાઇ રહ્યું છે. ત્યારે હવે પોલીસ દ્વારા આ ગેંગને ઝડપી પુછતાછ કરવામાં આવે તે પછી જ સમગ્ર બ્લેકમેઈલ રેકેટનો પર્દાફાસ થઇ શકે તેમ છે.