માંગરોળ, તા.ર૯
માગરોળના નાગદા વિસ્તારમાં આવેલી અને હાલ સરકારની ખરાબાની જમીનની મોટી વંડીમાં ઈશાભાઈ પટેલ ઉર્ફે ઉચીકુચીનો પરિવાર છેલ્લા ૭૦ વર્ષથી રહે છે. પરંતુ આ વંડીને લઈને હાલ મુંબઇ રહેતા ઝહોરાબી ફારૂકમિમાં સૈયદે આ વંડી પોતાની માલિકીની છે તેવું કહી પટેલ પરિવારને વંડી ખાલી કરવા અનેકવાર ધાકધમકીઓ આપી હતી. એ દરમિયાન પંદર દિવસ પહેલાં ૧૩થી ૧૪ અજાણ્યા શખ્સો હથિયારો સાથે વંડીમાં ઘૂસી જઈ ગુંડાગીરી કરી જમીન ખાલી કરવા દબાણ કર્યું હતું અને બે વિધવા મહિલાઓ સહિત સમગ્ર કુટુંબજનો સાથે બેરહેમી પૂર્વક મારામારી કરી હતી. આજુબાજુના લોકો દોડી આવતાં ગુંડાઓ ફરાર થઈ ગયા હતા જ્યારે બે ગુંડાઓને પકડી પોલીસ હવાલે કર્યા હતા. ત્યારે આ ગુંડાગીરીમાં જૂનાગઢ, ધોરાજીના શખ્સો સહિત મુખ્ય સૂત્રધાર તરીકે વંથલીના ઈકબાલમિયાં નુરમિયાં સૈયદના નામ બહાર આવ્યા હતા. પરંતુ આગેવાનોએ મધ્યસ્થી કરી મામલો શાંત પાડ્યો હતો.
પરંતુ ફરી આજે શુક્રવારના દીવસે બપોર ના ૧ઃ૪૫ની આસપાસ જુમ્માની નમાઝના સમયે તમામ લોકો મસ્જિદમાં હોય તેનો લાભ લઈ બે અજાણ્યા શખ્સો વંડીના દરવાજો ખોલવાની કોશિશ કરી રહ્યા હતા. ત્યારે ઘરમાં હાજર અબ્દુલભાઈ પટેલનું ધ્યાન પડી જતાં તેઓ દરવાજા તરફ દોડ્યા હતા. પરંતુ દરવાજા પરના અજાણ્યા શખ્સોએ દરવાજાના ગોખલામાથી અબ્દુલભાઈ પર ફાયરિંગ કર્યું હતું. નસીબજોગે અબ્દુલભાઈ બચી ગયા હતા. ફાયરિંગના ભડાકાનો અવાજ થતાં ઘરની મહિલાઓએ ચીસાચીસ કરી મુકતા બે અજાણ્યા શખ્સો બાઈક પર ફરાર થઈ ગયા હતા. આ બનાવના પગલે માંગરોળ પોલીસના ડીવાયએસપી વાસમશેટ્ટી, રવિ તેજા, પીએસઆઇ રામ, પીએસઆઇ દેસાઇ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર કરેલ કારતુસ મેળવી તપાસ હાથ ધરી છે. આ બાબતે અબ્દુલભાઈ પટેલ ઉર્ફે ઉચીકુચીએ ઝહોરાબી ફારૂકમિયાં સૈયદ, ઈકબાલમિયાં નુરમિયાં સૈયદ અને તેના સાગરિતો વિરૂદ્ધ શંકાના આધારે માંગરોળ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પીએસઆઇ દેસાઇ એ તપાસ શરૂ કરી છે.