(એજન્સી) નવી દિલ્હી,તા.૧૮
અત્રે નવી દિલ્હી ખાતે સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થતાં પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ સદનની બહાર મિડિયા સાથેની પારંપારિક વાતચીતમાં કહ્યું હતું કે, સંસદમાં અમે તમામ મુદ્દાઓની ખુલ્લા મનથી ચર્ચા કરવા માંગીએ છીએ. પ્રજા હિતમાં શ્રેષ્ઠ દલીલ મહત્વપૂર્ણ છે. વાદ હોય, વિવાદ હોય પણ તેમાં સંવાદ જરૂરી છે. દરેક વ્યક્તિએ તેમની બુદ્ધિનો ઉપયોગ સંસદમાં વિપુલ પ્રમાણમાં કરવો જોઈએ અને ગૃહની ચર્ચાને સમૃધ્ધ બનાવવામાં ફાળો આપવો જોઇએ. ’’ શિયાળુ સત્ર ૧૮ નવેમ્બરથી શરૂ થઇને ૧૩ ડિસેમ્બર સુધી ચાલશે. વડા પ્રધાને સત્રની શરૂઆતના થોડી મિનિટો પહેલા મીડિયાને કહ્યું, ’બંધારણ દેશની એકતા, અખંડિતતા અને વિવિધતાનો મહિમા ધરાવે છે. તાજેતરમાં, તમામ પક્ષોના નેતાઓને મળવાની તક મળી હતી, જેમ અગાઉનું સત્ર તમામ પક્ષોના સહકારથી ચલાવવામાં આવ્યું હતું, આ વખતે પણ તેવું જ થવાની અપેક્ષા છે.
મોદીએ કહ્યું કે ૨૦૧૯ નું આ છેલ્લું સત્ર ખૂબ મહત્વનું છે. મેં આ અંગે તમામ પક્ષોના નેતાઓ સાથે વાત કરી છે. એવી અપેક્ષા છે કે પાછલા સત્રની જેમ આ વખતે પણ ખૂબ જ સકારાત્મક પરિણામો મળશે. રાજ્યસભાનું ૨૫૦ મો સત્ર પણ આજથી શરૂ થઈ રહ્યું છે. આ સત્ર દેશ માટે જાગૃતિ અભિયાન બની શકે છે.
પ્રથમ દિવસે લોકસભા અને રાજ્યસભામાં દિવગંત નેતાઓ સુષ્મા સ્વરાજ, અરૂણ જેટલી, સુખદેવસિંહ તુલા, જગન્નાથ મિશ્રા, રામ જેઠમલાણી અને ગુરુદાસ ગુપ્તાને યાદ કરીને શબ્દાંજલિ અર્પવામાં આવી હતી. શિવસેના ભાજપથી અલગ પડતાં તે વિરોધપક્ષમાં જોવા મળી હતી. લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ કહ્યું કે સંસદ લોકોના કલ્યાણ માટે ચર્ચા અને વાટાઘાટ વિપક્ષ તૈયાર છે. જો કે પ્રથમ દિવસે જ લોકસભામાં વિપક્ષના સાંસદોએ “વિપક્ષ ઉપર હુમલો કરવાનું બંધ કરો,ફારૂક અબ્દુલ્લાને મુક્ત કરો,અમને ન્યાય જોઈએ છે,અમને ન્યાય જોઈએ છે..” ના સૂત્રોચ્ચારો સાથે હોબાળો મચાવતાં ગૃહમાં ભારે ઉતેજના વ્યાપી ગઇ હતી. પ્રશ્વોત્તરી વખતે વિપક્ષ દ્વારા સતત નારાબાજી થઇ રહી હતી અને ‘તાનાશાહી બંધ કરો તાનાશાહી નહીં ચાલે, જુઠ્ઠા કેસ બંધ કરો’જેવા નારા લગાવાઈ રહ્યા હતા. લોકસભા સ્પીકર ઓમ બિરલા દ્વારા વિપક્ષને શાંતિ જાળવવાની અનેકવાર અપીલ કરી હતી. જમ્મુ કાશ્મીરની સ્થિતી અને ફારુક અબ્દુલ્લાને નજરકેદ કરવા અંગે થયેલા હોબાળા બાદ મુખ્ય વિપક્ષ દળ કોંગ્રેસે લોકસભામાંથી વોક આઉટ કર્યું હતું. તે અગાઉ, શિવસેનાના સાંસદ પણ ગૃહની કાર્યવાહી છોડીને બહાર નિકળી ગયા હતા. શિવસેના સાંસદ શ્રીરંગ અપ્પા બરનેએ શિક્ષણ અને મહિલા સુધારણાના કામ કરનારા મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક જ્યોતિબા ફુલે અને તેમની પત્ની સાવિત્રીબાઈ ફુલેને ભારત રત્ન આપવાની માંગ કરી હતી. કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ સરકારની સામે રોષ ઠાલવતાં કહ્યું કે, ’ પૂર્વ મંત્રી અને સિનિયર સાંસદ ફારૂક અબ્દુલ્લાને કાશમિરમાં અટકાયત કરવામાં આવ્યાને આજે ૧૦૮ દિવસ થયા છે. આ સરકારી દમન નથી તો શું છે? અમે ઇચ્છીએ છીએ કે તેઓને સંસદમાં લાવવામાં આવે. સંસદમાં તેમની હાજરી તેમનો બંધારણીય અધિકાર છે. આ ઉપરાંત તેમણે ગાંધી પરિવારના સભ્યોની એસપીજી સુરક્ષા દૂર કરવાનું મામલો પણ સદનમાં રજૂ કરીને સરકારનો ખુલાસો માંગ્યો હતો.
જ્યારે કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે રાજ્યસભામાં માંગ કરી હતી કે પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમને સંસદીય કાર્યવાહીમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવે. આઝાદે કહ્યું સાંસદો પર કેસ પેન્ડિંગ છે તેવા કિસ્સામાં અગાઉ પણ તેમને સંસદમાં આવવાની મંજૂરી આપવામાં આવી છે. ચિદમ્બરમ હાલમાં કથિત આઈએનએક્સ મીડિયા કૌભાંડમાં તિહાર જેલમાં છે.