(એજન્સી) તા.ર૪
પાકિસ્તાનના સિંઘ પ્રાંતની નિવાસી સુનિતા પરમાર (ઉ.વ.૩૧) બુધવારે યોજાનારી પ્રાંતિય વિધાનસભાની ચૂંટણી લડનાર પ્રથમ હિન્દુ મહિલા બનશે. સુજિતા અનુસૂચિત જાતિમાં ગણાતા મેઘવાર સમાજની સભ્ય છે તે સિંઘ વિધાનસભાની પીએસ-પ૬ બેઠક પરથી ચૂંટણી લડી રહી છે જે થારના રણમાં આવેલ થરપાકર જિલ્લામાં છે. દેશના સૌથી પછાત ગણાતા મતવિસ્તારમાં તેણે સ્વતંત્ર ઉમેદવારી નોંધાવી છે. અહીં શાળા, માર્ગો અને પાણીની ખૂબ જ સમસ્યા છે. તેણી સારી રીતે જાણે છે કે તેણે સદીઓ જૂની જાતિ-પ્રથાને પડકાર આપ્યો છે. અહીં એક એવી સમાજ વ્યવસ્થા છે જે જાતિગત પૂર્વગ્રહોથી ભરેલી છે અને જ્યાં હંમેશા ઉચ્ચ વર્ગ પાસે જ સત્તા છે. ર૦૧૭ની વસ્તી ગણતરી પ્રમાણે થરપાકરની વસ્તી ૧.૬ મિલિયન છે. જેમાંથી અડધા લોકો હિન્દુ છે. પરમારનું કહેવું છે કે, આ ઘણું મુશ્કેલ છે અને માટે ઘણી મહેનત કરવી પડશે.મારા આ અભિયાનમાં મારા વિસ્તારની મહિલાઓ મને ઘણી મદદ કરે છે. હું આ કામ ઉચ્ચ વર્ગની પકડમાંથી બહાર નીકળવા માટે કરું છું. મધ્યમ વર્ગના લોકો આ ઉચ્ચ ઉમરાવોને મત આપી થાકી ગયા છે. મારી હૃદયથી ઈચ્છા છે કે હું અમને બધાને આ ઉચ્ચ વર્ગની વ્યવસ્થામાંથી મુક્ત કરું અને અમારા જીવનધોરણમાં સુધારો કરું. તેણે કહ્યું હતું કે, પાછલી સરકાર તેના વચનો પૂર્ણ કરવામાં નિષ્ફળ ગઈ હોવાથી તેને ચૂંટણી લડવાની ફરજ પડી હતી.