(સંવાદદતા દ્વારા) ગાંધીનગર, તા.૩
લોકસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોની સાથે સાથે કેન્દ્રિય ચૂંટણી પંચ પણ તડામાર તૈયારીઓમાં વ્યસ્ત છે : ગુજરાતની ર૬ બેઠકો માટેના મતદારોમાં ચૂંટણી પંચની સુધારણા બાદની યાદીમાં મોટી સંખ્યામાં વધારો નોંધાવા પામ્યો છે. રાજ્યમાં આ વખતે ચૂંટણીમાં લેટેસ્ટ સ્થિતિમુજબ કુલ ૪.પ૧ કરોડ મતદારો પોતાના મતદાનનો ઉપયોગ કરશે. ગતવર્ષે સપ્ટેમ્બરમાં પ્રસિદ્ધ યાદી મુજબ આમાં ૧૧ લાખ મતદારોનો વધારો થવા પામ્યો છે તો ફેબ્રુઆરીથી રપ માર્ચ સુધીની નવી ઝુંબેશ હેઠળ આશરે ચાર લાખ મતદારો વધારો થવા પામ્યો છે. રાજ્યના આ કુલ મતદારોમાં ૧૮થી ૧૯ વર્ષની વય જૂથના ૧૦ લાખથી વધુ મતદારો આ વખતે પ્રથમવાર તેમના મતદાનનો ઉપયોગ કરી શકશે.
કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીને લઈ રાજ્યની ર૬ બેઠકો માટેના મતદારોની વર્તમાન લેટેસ્ટ સ્થિતિનો વિચાર રજૂ કર્યો છે જે મુજબ રાજ્યમાં તા.રપ માર્ચ ર૦૧૯ની સ્થિતિએ ર.૩૪ કરોડથી વધુ પુરૂષ મતદારો અને ર.૧૭ કરોડ જેટલા સ્ત્રી મતદારો તેમજ ત્રીજી જાતિના (ટ્રાન્સજેન્ડર) ૯૯૦ મતદારો નોંધાયા છે. આમ કુલ મળીને ૪.પ૧ કરોડથી વધુ મતદારો મતદાનમાં ભાગ લઈ શકશે. ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીને લઈ તા.૩૧-૧-ર૦૧૯એ મતદાર યાદી પ્રસિદ્ધ થઈ તે બાદ પણ સત્તા સુધારણા જારી રાખી હતી. જેના કારણે તા.૧લી ફેબ્રુઆરી-ર૦૧૯થી તા.રપ/૩/ર૦૧૯ દરમ્યાન મતદારોમાં મોટી સંખ્યામાં વધારો થવા પામ્યો હતો. જેમાં ૧.૭૧ લાખ પુરૂષ તથા ર.૦૭ લાખ સ્ત્રી મતદારો મળી કુલ ૩.૭૯ લાખ મતદારોનો વધારો થવા પામ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પંચ દ્વારા જે તા.૧/૯/ર૦૧૮એ યાદી પ્રસિદ્ધ કરાઈ હતી. તેમાં કુલ ૪.૪૦ કરોડથી વધુ મતદારો નોંધાયેલા હતા. તેમાં ફરી સુધારણા જારી રાખતા તે પછીના હમણાં સુધીના સમયગાળામાં કુલ મળીને ૧૧ લાખથી વધુ મતદારો યાદીમાં મેરાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં પ૪.૯પ લાખ મતદારો અને સૌથી ઓછા નર્મદા જિલ્લામાં ૪.ર૭ લાખ મતદારો નોંધાવા પામ્યા છે. જ્યારે લોકસભા બેઠક પ્રમાણે જોઈએ તો સૌથી વધુ નવસારી બેઠકમાં ૧૯.૭૧ લાખ મતદારો અને સૌથી ઓછા ભરૂચ બેઠકમાં ૧પ.૬૪ લાખ મતદારો નોંધાવવા પામ્યા છે. મતદાર સુધારણા યાદી અનુસાર સૌથી વધુ ૧,૦૩,૭પપ મતદારો સુરત જિલ્લામાં અને તે પછી અમદાવાદમાં ૧,૦૩,૪પર મતદારો નવા ઉમેરાયા છે તેની સામે સૌથી વધુ સુરતમાં જ ૪૬,૬૮૦ મતદારો રદ પણ થયેલ છે તે પછી અમદાવાદમાં ૩૮,પ૧૦ મતદારો રદ થવા પામ્યા છે. સૌથી ઓછા મતદારો ડાંગ જિલ્લામાં ૧૧પ૮ નવા ઉમેરાયા છે તો તેની સાથે સૌથી ઓછા પ૮૭ મતદારો પણ અહીં જ રદ થવા પામ્યા છે.