પોલીસે મંજૂરી આપી ન હોવા છતાં હજારો કર્મી ઊમટ્યા

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૧

રાજ્યના ફિકસ પગારધારક કર્મચારીઓનું શોષણ કરાતું હોવા  સહિતની વિવિધ માગણીઓ સાથે ફિકસ બે કર્મચારીઓ ગાંધીનગરમાં આંદોલન કરી દેખાવો અને ધરણાં કરી રહ્યા છે ત્યારે આજરોજ ગાંધીનગરમાં હજારો કર્મચારીઓએ પોલીસની મંજૂરી ન મળી હોવા છતાં જનઆક્રોશ સંમેલન કરતા  પોલીસે જીજ્ઞેશ મેવાણી સહિત સેંકડો લોકોની અટકાયત કરી હતી. ગુજરાત જનઅધિકાર મંચ ફિકસ બે કર્મીઓને કાયમી કરવા સહિતની માગણીઓ સાથે છેલ્લા બે વર્ષથી આંદોલન ચલાવી રહ્યું છે અને રાજયના જુદા જુદા વિસ્તારમાં ધરણા દેખાવો કરતું હતું. પરંતુ હવે સરકારને જગાડવા ગાંધીનગરમાં ધામા નાખ્યા છે. આ આંદોલનને પાસ, એસપીજી, એસસી, એસ.ટી. ઓબીસી એકતા મંચના અલ્પેશ ઠાકોર, દલિત યુવા  આગેવાન જીજ્ઞેશ મેવાણી વગેરેએ પણ  સમર્થન જાહેર કર્યું છે. જન અધિકાર મંચના પ્રવિણ રામે જણાવ્યું છે કે,  last-page-1-1-1-2017ગુજરાત સરકાર વાઈબ્રન્ટ ગુજરાત સમિટ, રણોત્સવ, પતંગોત્સવ સહિતના ઉત્સવો અને વિવિધ કાર્યક્રમો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે. પરંતુ ફિકસ પગારદારોની સમસ્યાઓ પ્રત્ય ધ્યાન આપતું નથી. દરમ્યાન ગતરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફિકસ પગારદારોને પેટમાં શું દુઃખે છે તેવી ટીપ્પણી કરતા  ફિકસ પગારધારકો ગુસ્સે ભરાયા છે અને સરકારને આગામી ૧૧ જાન્યુઆરી સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે અને જણાવ્યું છે કે જો  ૧૧ જાન્યુઆરી સુધીમાં સરકાર અમારા  પ્રશ્નોનો ઉકેલ નહીં લાવે તો વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો વિરોધ કરીશું એવી ચીમકી ઉચ્ચારી છે. દરમ્યાન આજરોજ ગાંધીનગરમાં હજારો ફિકસ પગારદારોએ જનઆક્રોશ રેલીનું આયોજન કર્યું હતું. આજે સવારે અક્ષરધામ મંદિરના સામે આવેલ પાર્કિંગના મેદાનમાં હજારો કર્મચારીઓ એકઠા થયા હતા જેમાં અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણી પણ જોડાયા હતા. ઉપરાંત પાસના આગેવાનો પણ હાજર હતા. સવારે સંમેલન શરૂ  થાય તે પહેલા જ પોલીસે મંજૂરી ન હોવાથી અલ્પેશ ઠાકોર, જીજ્ઞેશ મેવાણી સહિતના  આગેવાનો અને ૬૦૦ જેટલા દેખાવકારોની અટકાયત કરી હતી. અટકાયત બાદ પણ અન્ય આગેવાનો અને કર્મચારીઓએ સંમેલન ચાલુ રાખ્યું હતું અને ફિકસ પગાર મામલે સરકાર કોઈ જાહેરાત ન કરે ત્યાં સુધી સંમેલન જારી રાખવાનું એલાન કર્યું હતું. આમ રાજયના પાંચ લાખ જેટલા ફિકસ પગારદાર કર્મચારીઓ ભાજપ સરકારને બરાબર બાથ ભીડવાના મૂડમાં છે અને આગામી વાઈબ્રન્ટ સમિટનો વિરોધ કરવાની પણ ચીમકી આપી હોવાથી આગામી સમયમાં નવા જૂનીના  એંધાણ વર્તાઈ રહ્યા છે.