અમદાવાદ, તા.૨૩
અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાં આવેલી હલીમની ખડકીમાં ફૂડ પોઇઝનિંગથી એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. ઘેર નોનવેજ બનાવીને ખાતાં એક જ પરિવારના સાત લોકોને ફૂડ પોઇઝનિંગથી અસર થતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા એક વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. એટલું જ નહીં, પરિવારને ખોરાકી ઝેરની અસર થતાં આ જમવાનું ફેંકી દીધુ હતું. પરંતુ આ ફેંકેલું જમવાનું કૂતરાએ ખાતાં તેનું પણ મોત નિપજ્યું હતું. બનાવનેપ પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બીજીબાજુ, શાહપુર પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના શાહપુર વિસ્તારમાં જગદીશ કોલોનીમાં આવેલા રમેશ ચોકમાં રહેતા મનોજભાઈ દાંતણીયાએ ગત તા.૧૮ ઓગસ્ટના રોજ સાંજે બહારથી નોનવેજ લાવીને ઘેર બનાવ્યું હતું. તેમના પુત્ર, પુત્રી, જમાઈ અને અન્ય ઘરના સભ્યોએ જમ્યા બાદ તમામને ફૂડ પોઇઝનિંગથી અસર થઈ હતી. પરિવારના તમામ ૭ લોકોને શરીરમાં કંપારી છૂટતા સારવાર માટે શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગઈકાલે મનોજભાઈ દાંતણીયાનું મોત નિપજ્યું હતું. આ નોનવેજના કારણે મોત થયું હોય આ મામલે હવે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવી જરૂરી બની છે. મનોજભાઈના પરિવારને નાનવેજ ખાધા બાદ ફૂડ પોઇઝનિંગ થતા તેઓએ આ જમવાનું બહાર ફેંકી દીધું હતું. આ ફેંકેલું જમવાનું એક કૂતરાએ ખાતા થોડીવારમાં તેનું પણ મોત નિપજ્યું હતું. ફૂડ પોઇઝનિંગનો આ કિસ્સો ખરેખર બહુ ગંભીર કહી શકાય અને અમ્યુકોના આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર પ્રકરણમાં તપાસ કરી કસૂરવારો સામે યોગ્ય કાર્યવાહી હાથ ધરવી જોઇએ અને કેસમાં જે કંઇ સત્ય હોય તે સામે લાવવાનો પ્રયાસ કરવો જોઇએ તેવી પણ સ્થાનિક રહીશોમાં માગણી ઉઠવા પામી હતી.