(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૭
આણંદ શહેરમાં ડી.એન હાઈસ્કૂલ કેમ્પસમાં આવેલી કસ્તુરબા વિદ્યાલયનાં છાત્રાલયમાં આજે પનીરનું શાક ખાધા બાદ ૩૨ વિદ્યાર્થીનીઓને ફુડ પોઈઝન થતા તે પૈકી ૧૪ વિદ્યાર્થીનીઓની તબીયત વધુ લથડતા તેઓને આણંદની જનરલ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયા હતા. આણંદ શહેરમાં કસ્તુરબા વિદ્યાલયનાં છાત્રાલયમાં રહી અભ્યાસ કરતી ૩૨ જેટલી વિદ્યાર્થીનીઓએ સંસ્થાનાં ભોજનાલયમાં પનીરનું શાક અને રોટલીનું ભોજન કર્યા બાદ વિદ્યાર્થીનીઓને ફુડ પોઈઝનની અસર થતા તેઓની તબીયત લથડી હતી જે પૈકી ૧૪ વિદ્યાર્થીનીઓને ઉલ્ટીઓની વધુ તકલીફ થતા હોસ્ટેલનાં રેકટર દ્વારા ૧૪ વિદ્યાર્થીનીઓને ત્વરીત સારવાર માટે જનરલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી,જયાં ડા.સુધીર પંચાલએ તાત્કાલીક સારવાર શરૂ કરતા વિદ્યાર્થીનીઓની તબીયત સુધારા પર આવી હતી. આ ધટનાને લઈને શાળાનાં કેમ્પસ ડાયરેકટર મહેશ પટેલ પણ હોસ્પીટલમાં દોડી આવ્યા હતા. જનરલ હોસ્પીટલનાં મેડીકલ ઓફીસર ડા.સુધીર પંચાલએ કહ્યું હતું કે તમામ વિદ્યાર્થીનીઓની તબીયત સુધારા પર છે,અને ફુડ પોઈઝનનાં કારણે ઈન્ફેકસન જેવી કોઈ ધટના બને નહી તે માટે વિદ્યાર્થીનીઓને ઓબર્ઝર્વેશન પર રાખવામાં આવી છે,અને દુષિત પાણી અથવા દુષિત ખોરાકથી આ ધટના બની હોવાનું જણાવ્યું હતું.